વાલીઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે.આગામી શૈક્ષણિક વર્ષથી સ્ટેશનરીના ભાવમાં 30 ટકા સુધીનો તોતિંગ વધારો થવાની શક્યતા છે.કાગળ, કેમિકલ ઇંકના ભાવમાં વધારો થતા સ્ટેશનરીના ભાવમાં પણ વધારો થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, હવે જલ્દી આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વાલીઓને ભાવ વધારાનો ભાર સહન કરવા પડી શકે છે. કાગળ અને કેમિકલ ઇંકના ભાવ વધારાના કારણે ચોપડા, નોટબૂક, પેન્સિલ, પેન, કલર્સ, સ્કૂલ બેગના ભાવમાં 30 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. મીડિયા અહેવાલ મુજબ, નોટબૂક માટે રૂ.45 જ્યારે ચોપડા માટે 80થી 100 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. બીજી તરફ, સ્ટેશનરીના વેપારીઓનું કહેવું છે કે પહેલા કંપનીઓ સારું એવું ડિસ્કાઉન્ટ આપતી હતી, જેથી અમે પણ ગ્રાહકોને ડિસ્કાઉન્ટ આપતા હતા. પરંતુ, હવે કંપનીઓ દ્વારા ઓછું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેથી વાલીઓને પહેલા જેવો લાભ નહીં મળી શકે.
વાલીઓ પર મોંઘવારીનો માર
નવા શૈક્ષણિક વર્ષથી વાલીઓ પર મોંઘવારીનો માર પડવાની શક્યતા સેવાઈ રહી છે. એક તરફ ખાદ્ય પદાર્થ અને જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ દિવસ ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે બીજી તરફ બાળકનું ભણતર પણ દિવસે ને દિવસે મોંધું થતું જઈ રહ્યું છે. ત્યારે વાલીઓને બંને તરફથી પીસાવાનો વારો આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500