આખા ગુજરાતમાં દારૂબંધીનો કડક રીતે અમલ થાય તેની જવાબદારી ગુજરાત પોલીસના માથે છે ત્યારે જો પોલીસ જ આ દારૂના દૂષણમાં ફસાયેલી હોય તો બીજાનું શું કહેવું? અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં પોલીસના કર્મચારીઓએ એક કાંડ કરી નાંખ્યો છે. જેની હાલમાં ખુબ ચર્ચા થઇ રહી છે. આ ઘટનાને જોતા રાજ્યમાં દારૂબંધીનાં લીરેલીરા ખુદ પોલીસ ઉડાવી રહી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ શહેર પોલીસના જવાનો નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમની પોલીસ ચોકીમાં જ દારૂ પીતાં અને પાર્ટી કરતા ઝડપાયા છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની પાર્ટીનો પર્દાફાશ થતા ચારેબાજુ વિવાદનો વંટોળ ઉભા થયા છે. સ્ટેડિયમ ટ્રાફિક ચોકીમાં પોલીસકર્મીઓએ દારૂની પાર્ટી યોજી હતી, જે રંગેહાથ ઝડપાઈ ગઈ છે. અહીં ટ્રાફિક પોલીસના જવાનો ખુલ્લેઆમ કોઈની બીક રાખ્યા વિના દારૂની મહેફિલ માણી રહ્યા હતા.
મહત્વનું છે કે, સરદાર પટેલ સ્ટેડિયમ પોલીસ ચોકીમાં સ્ટેડિયમ બીટ ચોકીના ASI કાંતિ સોમાભાઈ દારૂ પીતા ઝડપાયા છે, આ સિવાય તેમની સાથે ASI સહિત 4 જવાનો ચોકીમાં દારૂની પાર્ટી કરી રહ્યા હતા. જેમાં TRB જવાન સોનુ પાલ, રાકેશ પટણી, દિનેશ પટણીના નામ સામે આવ્યા છે. ઝડપાયેલા જવાનો સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાશે. પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરાશે. મોડી રાત્રે ફરજ પૂર્ણ કરીને પોલીસ ચોકીમાં જ દારૂની પાર્ટી કરી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ રાજ્યમાં ઘણી જગ્યાએથી પોલીસ દારૂનો વહિવટ કરતી હોય તેવી ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં પણ પોલીસ જ દારૂની મહેફિલ કરતી હોવાની ઘટના સામે આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500