ઍમ્પલોયિસ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)એ ચાલુ નાણાંકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડની રકમ પરનો વ્યાજદર ૮.૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો છે.ઈપીએફઓના આ નિર્ણયને કારણે તેના પાંચ કરોડ કરતા પણ વધુ ગ્રાહકોને લાભ થશે.
શ્રીનગર ખાતે ગુરુવારે યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીસ (સીબીટી)ની સર્વોચ્ચ નિર્ણાયક સંસ્થા ઈપીએફઓએ વર્ષ ૨૦૨૦-૨૧ માટે પ્રોવિડન્ટ ફંડની રકમ પરનો વ્યાજદર ૮.૫ ટકા જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે સભ્યોની પીએફની જમા થયેલી રકમ પરનો વાર્ષિક વ્યાજદર ૮.૫ ટકા રાખવાની સીબીટીએ ભલામણ કરી હતી, એમ શ્રમ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. સીબીટી,ઈપીએફઓની ૨૨૮મી બેઠક ગુરુવારે શ્રીનગર ખાતે યોજવામાં આવી હોવાનું બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
શ્રમ અને રોજગાર ખાતાનો હવાલો સંભાળતા કેન્દ્રના રાજ્ય કક્ષાના પ્રધાન સંતોષકુમાર ગંગવારના વડપણ હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.નિયમ અનુસાર વ્યાજદરને મામલે સીબીટીના નિર્ણયને મંજૂરી માટે નાણાં ખાતેને મોકલી આપવામાં આવે છે.નાણાં ખાતાની મંજૂરી બાદ ચાલુ નાણાંકીય વર્ષ માટેનું ૮.૫ ટકા વ્યાજ ઈપીએફઓના સભ્યોના ખાતામાં જમા કરાવવામાં આવશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.સરકારી ગૅઝેટમાં વ્યાજદરની સત્તાવાર રીતે નોંધણી કરાવવામાં આવ્યા બાદ ઈપીએફઓ સભ્યોના ખાતામાં વ્યાજની રકમ જમા કરાવશે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
નાણાંકીય વર્ષ ૨૦૨૧ માટે ઈપીએફઓએ શેરમાં રોકાણ કરવાનો નિર્ણય લીધો હતો. ૮.૫ ટકાના વ્યાજદરની કરવામાં આવેલી ભલામણ શેરમાં કરેલા રોકાણ અને વ્યાજની સંયુક્ત આવકનું પરિણામ હોવાનું તેમણે કહ્યું હતું.આ કારણે સભ્યોને વધુ વ્યાજ આપવાનું ઈપીએફો માટે શક્ય બન્યું હોવાનું તેમણે કહ્યું હતું. સરપ્લસ રકમને કારણે ભવિષ્યમાં પણ ઈપીએફઓ તેના સભ્યોને વધુ વ્યાજ આપી શકશે.વર્ષ ૨૦૧૫-૧૬થી ઈપીએફઓએ સમજદારીપૂર્વક શેરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું.કુલ રકમના પાંચ ટકાથી શરૂ કરેલું આ રોકાણ હવે ૧૫ ટકા પર પહોંચ્યું છે. (એજન્સી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500