ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકને કેટલાક વ્યાજખોર મળતિયાએ નદીમાં ફેંકી દેવાની ઘટના સામે આવી હતી. વ્યાજખોરનાં પન્ટરોઓએ યુવાનને વ્યાજે લીધેલ પૈસા પરત ન આપતા નદીમાં તો ફેંકી દીધો પણ તે યુવક જેમ તેમ કરીને ગોલ્ડન બ્રિજના થાંભલા પાસે બેસી ગયો હતો.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઇસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. યુવકની બાઈક બ્રિજ પર સેવાભાવી કાર્યકર ધર્મેશ સોલંકીએ રાતના અંધારામાં ટોર્ચ વડે જોતા તેણે તાત્કાલિક સ્થાનિક નાવિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગે યુવકનાં આક્ષેપ અનુસાર તેણે એક ઈસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો.
લગભગ 2 કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેણે પોતાનો જીવ બચાવ્યો હતો. આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. હાલ યુવકની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500