સુરતના પાંડેસરાના કૈલાશ નગરમાં વર્ષ 2008 માં દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ ગુજારી કેરોસીન છાંટી પત્નીને સળગાવી દઇ હત્યાના પ્રયાસની ઘટનામાં છેલ્લા 15 વર્ષથી ભાગતા ફરતા પતિને પોલીસે હૈદરાબાદ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
મળતી માહિતી મુજબ પાંડેસરા પોલીસે બાતમીના આધારે શ્યામબહાદુર ઇન્દ્રબહાદુર રાજપૂત (ઉ.વ. 50 રહે. મીયાપુર, હાફીસગેટ, પ્રેમનગર, હૈદરાબાદ, તેલંગણા અને મૂળ રહે. છોટીઅરવાસી, બહાદુરગઢ, તા. ફુલપુર, જી. પ્રયાગરાજ, યુ.પી) ને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008 માં શ્યામબહાદુર પાંડેસરાના કૈલાશ નગરમાં રહેતો હતો ત્યારે પત્ની દિવ્યાને દહેજ માટે શારિરીક-માનસિક ત્રાસ ગુજારી અત્યાચાર ગુજારવા ઉપરાંત કેરોસીન છાંટી સળગાવી દીધી હતી.
આ ઘટનામાં પાંડેસરા પોલીસે દહેજ પ્રતિબંધક ધારા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો અને ત્યાર બાદથી શ્યામબહાદુર ભાગતો ફરતો હતો. પોલીસે શ્યામબહાદુરની હાથ ધરેલી પૂછપરછમાં પત્નીને સળગાવીને મારી નાંખવાના પ્રયાસ બાદ પોલીસથી બચવા મુંબઇ ગયો હતો. જયાં છુટક મજૂરી કામ કર્યા બાદ વતન ગયો હતો પરંતુ પોલીસ તપાસમાં આવતી હોવાથી વાપી ખાતે મજૂરી કામ કરતો હતો. ત્યાર બાદ વાપીથી હૈદરાબાદ ખાતે ચાલ્યો ગયો હતો અને મજૂરી કામ કરતો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500