Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાનાં ગોડથલના ખેડૂતે પ્રાકૃતિક પધ્ધતિથી મિશ્ર પાકનું વાવેતર કરી લીધુ બમણું ઉત્પાદન

  • September 11, 2024 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ દલુભાઈ ગાંવિતે એક એકરના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ આવક મેળવી છે. તેઓ પહેલા રાસાણિક ખેતી કરતા હતા ત્યાર તેમનો ખર્ચ વધુ થતો હતો. પરંતુ તેઓ એક એકરમાં એક જ સમયે કાકડી અને રતાળુ પાકની મિશ્ર પાક પધ્ધતિ દ્વારા વાવેતર કરી એક જ સિઝનમાં બે પાક લઈ વધુ આવક મેળવી રહયા છે. પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ દલુભાઈ ગાંવિત વર્ષ-૨૦૨૦માં આત્મા ગુજરાત, સબમિશન ઓન એગ્રીકલ્ચર એક્ષ્ટેન્શન દ્વારા કૃષિ ક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝથી વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરવા બદલ 'બેસ્ટ આત્મા ફાર્મર' તરીકે રૂપિયા ૨૫ હજારની પ્રોત્સાહક રકમની સન્માનિત કરવામાં આવ્યા હતા.


રાજેશભાઇ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે આંબાકલમની નર્સરી પણ ચલાવે છે. જેમાં વિવિધ જાતોના આંબાની ભેટ કલમ તૈયાર કરી વેચાણ કરે છે. અને પ્રાકૃતિક ખેતીના મુખ્ય પાસાં સમાન જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા ગીર ગાયની ખરીદી કરી હતી જેના નિભાવ માટે દર મહિને રૂપિયા ૯૦૦નો લાભ પણ મેળવે છે. પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશિલ ખેડૂત રાજેશભાઈએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યુ હતું કે, પહેલા હું રાસાણિક ખેતી કરતો હતો. આ રાસાણિક ખેતી થકી જમીનમાંથી પૂરંતુ ઉત્પાદન મળતું ન હતું અને જમીન પણ બગડતી જતી હતી. ત્યાર બાદ પ્રાકૃતિક ખેતી અંગે મને આત્મા પ્રાજેકટ નવસારી દ્વારા જાણવા મળ્યું અને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ લઈ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મે શરૂઆત કરી. ગત વર્ષે બે સિઝનમાં ફકત કાકડીનું વાવેતર કરયુ હતું અને મને અંદાજે રૂપિયા ૧ લાખની આવક થઈ હતી.


આ વર્ષે રતાળુ કંદ અને કાકડી મિશ્ર પાક પધ્ધતિ અપનાવી હતી અને કાકડીનું ઉત્પાદન ૧પ૦ મણ મેળવી અંદાજીત રૂપિયા ૭૦,૦૦૦ની આવક લઈ લીધી છે. જેમાં મને ફકત કાકડી બિયારણ, મજુરી ખર્ચ મળી લગભગ રૂપિયા ર૦,૦૦૦ના ખર્ચને બાદ કરતા રૂપિયા પ૦,૦૦૦ની આવક લઈ લીધી છે. અને ખેતરમાં હજુ રતાળુ કંદ ઉભો છે. જે આશરે ૧૦૦ થી ૧ર૦ મણ ઉતારો આપશે અને ફકત રૂપિયા ૧૦૦૦ પ્રતિ મણનો ભાવ મળે તો રતાળુ કંદ ઓછામાં ઓછી એક લાખ રૂપિયાની આવક થશે. તેમ ખેડૂત દ્વારા જણાવ્યું હતું. વધુમાં તેમણે મિશ્રપાક પધ્ધતિ અને પ્રાકૃતિક ખેતીની વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, બન્ને પાકમાં જમીન તૈયાર કરતી વખતે ઘન જીવામૃતનો ભરપુર ઉપયોગ કરવાથી જમીન એકદમ પોચી જોવા મળી અને દેશી અળસિયાની સંખ્યા પણ ખૂબ જ વધુ જોવા મળી રહી છે.


ત્યારબાદ દર ૧૦ થી ૧પ દિવસે જીવામૃત ડ્રીપ દ્વારા અને સ્પે દ્વારા આપવામાં આવે છે. આમ મિશ્ર પાક પધ્ધતિ દ્વારા ગત વર્ષ કરતા ઓછા ખર્ચે બમણુ ઉત્પાદન લઈ વધુ આવક મેળવી રહયો છું. અંતે તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું હતું કે, લોકોની ગેરમાન્યતા છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટે છે. ઉત્પાદન ઘટતું નથી. વધે છે. શરૂઆતના એક વર્ષમાં ઘટી શકે પરતું ત્યાર બાદ ઉત્પાદનમાં ઘરખમ વધારો થાય છે. રસાયણીક દવાઓનો ખર્ચ ઘટવાથી અને માર્કેટમાં પ્રાકૃતિક ખેતીની માંગ વધારે હોવાથી પાકનો ભાવ પણ સારો મળે છે. રાજેશભાઇ પ્રાકૃતિક ખેતીમાં ઘનજીવામૃતના ઉપયોગ અને મિશ્રપાક પધ્ધતિથી સફળતા મેળવી છે ચાલો બન્ને બાબતોને સમજી આપણી ખેતીમાં અપનાવી સફળતા મેળવીએ.


જીવામૃત શુ છે? જીવામૃત કોઇપણ વૃક્ષ કે વનસ્પતિને આપવા માટેનો ખોરાક નથી. આ તો એક અસંખ્ય જીવાણુઓનો વિશાળ ભંડાર છે. જીવામૃત આપવાથી જમીનમાં સુક્ષ્મ જીવાણુની સંખ્યામાં ઝડપથી વધારો થાય છે અને ભેજનું નિર્માણ ઝડપી બને છે. તેમજ તે સુષુપ્ત અળસિયાને સક્રિય કરી અને અલભ્ય પોષક તત્વોને લભ્ય બનાવી છોડના મૂળને પ્રાપ્ત કરાવે છે. આનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને નાઈટ્રોજનની ઉપલબ્ધિ વધે છે.

ઘન જીવામૃત તૈયાર કરવાની રીત : ૨૦૦ કિ.ગ્રા સખત તાપમાં સૂકવેલ ચાળણીથી ચાળેલા દેશી ગાયના છાણના પાવડરને ૨૦ લીટર જીવામૃત સાથે ભેળવવું. ત્યારબાદ ૪૮ કલાક માટે છાંયો હોય ત્યાં ઢગલો કરી અને ત્યારબાદ પાતળું સ્તર કરી સૂકવવું. આ સ્તરને દિવસમાં ૨-૩ વાર ઉપર નીચે કરવું. સૂકાઈ જાય ત્યારબાદ તેના ગાંગડાનો ભૂક્કો કરી એક વર્ષ સુધી તે વાપરી શકાય છે. વાપરવાની રીત : ઘન જીવામૃત જમીનમાં અંતિમ ખેડાણ પહેલાં પ્રતિ એકર ૨૦૦ કિ.ગ્રા અને કુલ અવસ્થાએ પ્રતિ એકર ૧૦૦ કિ.ગ્રા આપવું. ગુજરાતની રાજ્યની ખેતીની જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન, ઝીંક સલ્ફર, વગેરે પોષક તત્વોની મોટી ઉણપ હોવાથી કોઈ પણ પ્રકારની ખેતી પ્રવૃત્તિમાં પ્રકૃતિક કૃષિ પદ્ધતિથી તૈયાર કરાયેલ જીવામૃત/ઘન જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચ ઘટે છે અને જમીનની ફળદ્રુપતા અને પોષક તત્વોની ઉપલબ્ધિ વધે છે.


પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાકોની પસંદગી કેવી રીતે કરશો? એક જ ખેતરમાં એક સાથે એક કરતાં વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્રપાક કહે છે. આ પદ્ધતિમાં મુખ્ય પાક સાથે બીજા ગૌણ ચાસમાં બીજો પાક ઉછેરવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિની મુહિમ અંતર્ગત ખેડૂતો એક પાકની સાથે બીજા પાકનું વાવેતર પણ કરી રહ્યા છે. આમ આ રીતે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંતર્ગત પણ ખેડૂતો મિશ્રપાકોની પસંદગી કરી રહ્યા છે.


મિશ્રપાક ઉછેરના ફાયદા

• અસામાન્ય હવામાનને કારણે પાકની નિષ્ફળતા અને જોખમ ઓછું હોય છે.

• આ પદ્ધતિથી ઉત્પાદનમાં વિવિધતા આવે છે. પાક ઉત્પાદન વધે છે.

• જમીનની ફળદ્રુપતા જળવાય છે. મિશ્રપાકોની પસંદગી કેવી રીતે કરશો

• જો મુખ્ય પાક એકદળી હોય તો સહયોગી પાક દ્વિદળી હોવો જોઈએ.

• જો મુખ્ય પાકના મૂળ ઉડે સુધી જતા હોય તો સહયોગી પાકના મૂળ ઓછી ઉંડાઈ સુધી જતા હોય તેવા પાકની પસંદગી કરવી જોઈએ. સહયોગી પાકની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેના મૂળ ઓછી ઉંડાઈ સુધી જતા હોય.

• સહયોગી પાકનો જીવનકાળ મુખ્ય પાક કરતાં ઓછો એટેલ કે અડધો અથવા 1/3 હોવો જોઈએ. એટલે કે મુખ્ય પાક કરતા ઓછો સમયમાં તૈયાર થાય તેવો હોવો જોઈએ.

• આ સહયોગી પાકના છોડનો છાયો મુખ્ય પાકના પાંદડા પર ન પડવો જઈએ.

• સહયોગી પાક ઝડપથી વિકાસ અને જમીનને જલ્દી ઢાંકી દે તેવો હોવો જોઈએ.

• જો મુખ્ય પાકના પાંદડામાં સૂર્યપ્રકાશ તીવ્રપણે સહન કરવાની શક્તિવાળો હોય તો સહયોગી પાક તીવ્ર ગરમી ન લઈ શકે કેવો હોવો જોઈએ.

• જો મુખ્ય પાક ઝડપથી વધતો હોય તો સહયોગી પાક ઓછી ઝડપથી વધે તેવો હોવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application