Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી, શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગની ટીમ દોડતી થઈ

  • June 17, 2024 

ઓઝત ડેમના છેવાડે પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળતાં ચકચાર મચી જવા પામી છે. જંગલ ખાતાંનાં જૂનાગઢ ડિવિઝન અને ગીર પશ્ચિમ ડિવિઝનની બોર્ડર પરથી શંકાસ્પદ હાલતમાં સિંહનો મૃતદેહ મળતાં વન વિભાગ ધંધે લાગ્યો છે. મૃતદેહ ખૂબ જ કોહવાયેલો હોવાથી સિંહનાં મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. બંને ડિવિઝનના સ્ટાફ દ્વારા થુંબાળા અને ઘંટીયાણની ઓઝત નદીના કાંઠા વિસ્તારમાં કોમ્બિંગ કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. અવાર-નવાર સિંહોના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળવાની ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે. ઓઝત નદીના કાંઠે આવેલ વિસાવદર તાલુકાનું ઘંટીયાણ ગામ ગીર પશ્ચિમ ડિવિઝનના વિસાવદર રેન્જ હેઠળ આવે છે.


જ્યારે નદીનો સામો કાંઠો એટલે કે થુંબાળાની સીમ જૂનાગઢ નોર્મલ ડિવિઝનમાં આવે છે. થુંબાળાની ઓઝત નદીના કાંઠેથી એક સિંહનો પાણીમાં તરતો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલી હદે કોહવાઈ ગયો હતો કે તેનું પોસ્ટમોર્ટમ કરવું એ પણ એક પડકાર હતો. સિંહનો મૃતદેહ પાણીમાં તરતો હોવાની વન વિભાગને જાણ કરતા જૂનાગઢ નોર્મલ ડીવીઝન અને વિસાવદર રેન્જનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી સક્કરબાગ ઝુ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીએમમાં હજુ સુધી મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.


આ ઘટના બાદ ઓઝત નદીના બંને કાંઠા પર વન વિભાગ દ્વારા કોમ્બીંગ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. નદીના એક કાંઠા પર જૂનાગઢ નોર્મલ ડીવીઝનનો સ્ટાફ અને બીજા કાંઠા પર વિસાવદર રેન્જનો સ્ટાફ તથા સાસણના વેટરનરી તબીબની મદદ વડે તપાસનો ધમધમાટ શરૂ રાખવામાં આવ્યો છે. આ બનાવ બાદ અમુક શંકાસ્પદ લોકોની વન વિભાગ દ્વારા પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. અમુક લોકો દ્વારા રોજ-ભુંડના ત્રાસથી પાક રક્ષણ માટે ખેતરને ફરતે ગેરકાયદેસર વીજ શોક મુકવામાં આવતો હોય છે, અને અમુક લોકો દ્વારા પાણીમાં ઝેરી પદાર્થ નાખી રોજ-ભુંડને મારી નાખવામાં આવતા હોવાની ઘટનાઓ બને છે.


આવી રીતે પાક રક્ષણ માટે મુકવામાં આવેલા વીજશોકમાં સિંહ આવી ગયો હોય અને તેનું મૃત્યું થયું હોય એ સંજોગોમાં તે ગુનાને છુપાવવા માટે મૃતદેહને પાણીમાં નાખી દેવામાં આવ્યો કે કેમ? પાણીમાં ઝેર ભેળવી દઈ સિંહની હત્યા કરી નાખવામાં આવી છે કે કેમ? એ પ્રશ્નો ઉઠયા છે. અથવા તો પછી બીમારી સબબ સિંહનું મોત થયું હોય એમ પણ બન્યું હોઈ શકે. જોકે કુદરતી રીતે સિંહનું મોત થયું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. વન વિભાગે સૌપ્રથમ સિંહના મોતનું કારણ નક્કી કરવું પડશે, ત્યારબાદ જ સાચું શું છે તે સામે આવે તેમ છે.(ફાઈલ ફોટો)




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application