Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુરુષોત્તમ રૂપાલાને લઈને વિવાદ વધુ વકર્યો : મામલો શાંત પાડવા માટે સી આર પાટીલે બાજી પોતાના હાથમાં લેવી પડી

  • March 30, 2024 

લોકસભામાં રાજકોટથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાના નામની જાહેરાત બાદ સતત ચર્ચામાં રહ્યાં છે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા. એક તરફ રૂપાલાને રાજકોટમાં ભાજપનો આંતરિક વિરોધ નડી રહ્યો છે. બીજી તરફ ખુદ રૂપાલાના એક નિવેદન બાદ વિરોધનો વંટોળ ઉભો થયો છે. રૂપાલાએ જાહેર મંચ પરથી ક્ષત્રિય સમાજ અંગે કરેલાં એક નિવેદનને કારણે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વિવાદ વકરતા પરષોત્તમ રૂપાલાના નિવાસસ્થાન અને લોકસભા કાર્યાલય, જે સ્થળે સભા સંબોધવાના હોય ત્યાં બધે જ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેતે પોલીસ મથકે સુરક્ષા સંભાળવાની રહેશે તેવી સુચનાઓ પણ ગૃહ વિભાગમાંથી અપાઈ ગઈ છે.


હાલ આ મામલે સ્થિતિ ગંભીર હોવાથી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગુજરાતની લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ભાજપમાં ભડકો થયો છે. એમાંય કાર્યકરોના ભારે વિરોધને પગલે વડોદરા અને સાબરકાંઠા બેઠકમાં ભાજપને ઉમેદવાર બદલાવી ફરજ પડી છે. આ સ્થિતિની વચ્ચે આ બે બેઠકો ઉપરાંત સૌથી વધુ કોઈ બેઠક ચર્ચમાં હોય તો એ છે રાજકોટની બેઠક. રાજકોટમાં બબ્બે સાંસદ રહેલા મોહન કુંડારિયાને હટાવીને ભાજપે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાને આ બેઠકથી ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે. રૂપાલાના નામની જાહેરાત સાથે ભાજપમાં વિરોધનો ગણગણાટ શરૂ થઈ ગયો હતો. એવામાં રૂપાલાના એક નિવેદને ક્ષત્રિય સમાજમાં વિરોધની આગ ભડકાવી દીધી છે.  કેન્દ્રીય પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે.


મામલો શાંત પાડવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બાજી પોતાના હાથમાં લેવી પડી છે. પાટીલ પોતે આ મામલે સમાધાન કરાવવા રાજકોટ પહોંચ્યા હતાં. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે આ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. અને સમગ્ર મામલાના સુખદ સમાધાનની આશા વ્યક્ત કરી હતી. જોકે, હજુ મામલો શાંત પડ્યો નથી. હવે તો રાજવી પરિવારે પણ પરસોત્તમ રૂપાલા સામે બાંયો ચડાવી છે. કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. રાજવી પરિવારના આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કર્યો છે.


ઉલ્લેખનીય છેકે, રૂપાલાએ ક્ષત્રિય રાજાઓને લઇ આપેલા નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાએ તાજેતરમાં રાજકોટમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુ કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. પુરુષોત્તમ રૂપાલાના આ નિવેદનનો વીડિયો વાયરલ થયા બાદ ચારેતરફ ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. ઠેર ઠેર પુરુષોત્તમ રુપાલા સામે કાર્યવાહી કરવા માટે આવેદન પત્ર આપવામા આવી રહ્યુ છે. પોલીસ સ્ટોશનમાં ફરિયાદ કરવામા આવી રહી છે આ સાથે પુરુષોત્તમ રૂપાલા સામે અગાઉ ચૂંટણીપંચમાં પણ ફરિયાદ નોંધાવવામા આવી છે.


તેમજ તેમની ઉમેદવારી પાછી ખેંચવા માંગ કરાઈ છે. કોંગ્રેસના નેતા અને રાજવી પરિવારના અગ્રણી આદિત્યસિંહ ગોહેલ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુંકે, પરષોત્તમ ખોડાભાઈ રૂપાલાનો એક વીડિયો વાયરલ થયો હતો. તેમાં જે વાત કરવામાં આવી છે તે સાંભળીને મને ખુબ દુઃખ થયું હતું. મેં કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. મારું નિવેદન લેવાયું છે. 15 તારીખે સાક્ષીઓ સાથે ઉપસ્થિતિ રહેવાનું કહેવાયું છે. આખો સમાજ એક જૂથ થઈને આ મુદ્દે લડવા માંગે છે. પરશોત્તમ રૂપાલાએ અમારા સમાજનું અપમાન કર્યું છે. યુવાનો પણ આ અંગે રોષે ભરાયેલાં છે. રૂપાલાની મુશ્કેલી વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application