મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસૈનિક સતત બળવાખોર ધારાસભ્યો વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેના કારણે બળવાખોરોએ મહારાષ્ટ્ર સરકાર પાસે પોતાની અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી. આ મામલાને લઈને હવે કેન્દ્ર સરકાર તરફથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જાણવા મળ્યું કે શિંદે ગ્રુપના 16 ધારાસભ્યોના ઘરો પર કેન્દ્ર સરકાર સુરક્ષા ઉપલબ્ધ કરાવશે.
કેન્દ્ર સરકારે તે નિર્ણય શિંદે ગ્રુપની અપીલ બાદ લીધો છે. શનિવાર 25 જૂને એકનાથ શિંદે જૂથે કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો હતો, ત્યારબાદ હવે તેના પરિવારજનોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આજે સાંજ સુધી બધા ધારાસભ્યોના ઘર પર સીઆરપીએફના જવાનોની તૈનાતી કરી દેવામાં આવશે. આ ધારાસભ્યોને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર પહેલા શિંદે જૂથે મહારાષ્ટ્ર સરકાર પાસે પણ પોતાના પરિવાર માટે સુરક્ષા માંગી હતી. પરંતુ તેના જવાબમાં રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ધારાસભ્યોની સુરક્ષામાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. સાથે જે ધારાસભ્યોના ઘર પર તોડફોડ કરવામાં આવી, ત્યાં પોલીસદળને તૈનાત કરવાના નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. આ વચ્ચે અપક્ષ સાંસદ નવનીત રાણાએ પણ બળવાખોર ધારાસભ્યોના પરિવારને સુરક્ષા આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે વર્તમાન સ્થિતિને જોતા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે. પરંતુ હવે સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર તરફથી બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
મહત્વનું છે કે છેલ્લા એક સપ્તાહથી એકનાથ શિંદે અને તમામ શિવસેના ધારાસભ્યો ગુવાહાટીમાં છે. તમામે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ બળવો કર્યો છે. આ તમામ બળવાખોરોને મનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ઉકેલ આવ્યો નહીં. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડી દીધુ હતું. હવે શિવસેના તરફથી બળવાખોર વિરુદ્ધ પગલા ભરવાની વાત કહેવામાં આવી રહી છે. તો શિંદે જૂથ પણ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500