Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિ શૌહાર્દપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો

  • March 12, 2024 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ થયેલી ધોરણ-૧૦ (SSC) અને ૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓનો આજે તા.૧૧મી માર્ચથી નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ-૧૦ના પરીક્ષાર્થીઓને રાજપીપલાની શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર, જિલ્‍લા શિક્ષણાધિકારી, નગર પાલિકા પ્રમુખ, જાયન્ટ્સ ગૃપ ઓફ રાજપીપલાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ સહિત સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, શાળાના સ્ટાફગણ વગેરેએ પણ પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પો આપી સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ સાથે ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પ્રસંગે જિલ્‍લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જણાવ્યું હતું કે, આજથી બોર્ડની પરીક્ષાની શરૂ થઈ છે. પરીક્ષાના પ્રારંભે બાળકોનું મનોબળ વધારવા માટે તેમને શુભેચ્છા પાઠવી છે. નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, તેમના માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને પાણીની વ્યવસ્થા, તમામ કેન્દ્રોમાં ચોખ્ખા ટોયલેટ, આરોગ્યની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. આ વખતે રિઝલ્ટ પણ ખૂબ સારું રહેશે તેવી આશા પણ કલેક્ટરશ્રીએ વ્યક્ત કરી હતી. જિલ્‍લા કલેક્ટરએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે શ્રી એમ.આર. વિદ્યાલયમાં ઊભા કરાયેલા સીસીટીવી કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યું હતું. નર્મદા જિલ્લામાં ધોરણ-૧૦માં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૧૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૩૦ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૨૨ બ્લોક નક્કી કરાયા છે.


જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૪,૮૯૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેના માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૫૨ બ્લોક નક્કી કરાયા છે. તેવી જ રીતે ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં શ્રી એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે કેન્દ્રો છે. જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા કેન્દ્ર ખાતે ૨૩ બ્લોક મળી કુલ ૬૬ બ્લોકમાં ૧,૨૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બોર્ડની આ જાહેર પરીક્ષા માટે સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application