Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એકાઉન્ટન્ટને દુકાનમાં ગોંધીને માર માર્યો

  • March 08, 2023 

સુરતના સારોલી ખાતે ડીએમડી માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીએ જીએસટી ભરવા આપેલા રૂપિયા ખર્ચી નાખનાર એકાઉન્ટન્ટને દુકાને બોલાવી સાગરીતો સાથે મળી ગોંધી રાખી માર માર્યો હતો.ત્યાર બાદ તેને કારમાં સારોલી પોલીસ સ્ટેશન લઈ જઈ તેના વિરુદ્ધ અરજી કરી પોલીસને સોંપતા પોલીસે એકાઉન્ટન્ટને સારવાર માટે મોકલી બાદમાં તેની ફરિયાદના આધારે વેપારી અને સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધી તપાસશરુ કરી હતી.



પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના ભુવા રોડના વતની અને સુરતમાં સરથાણા શ્યામધામ મંદિરની પાછળ ભગવતી સોસાયટી ઘર નં.72 માં રહેતા રત્નકલાકાર ઘનશ્યામભાઈ જીયાણીનો પુત્ર ધવલ ( ઉ.વ.28 ) વર્ષ 2016 થી 2018 દરમિયાન સુરત કડોદરા રોડ સારોલી સ્થિત ડીએમડી માર્કેટમાં દિપ્તી ક્રિએશનના નામે દુકાન ધરાવતા ભાવેશભાઈ જગદીશચંદ્ર શાહનું જીએસટી રિટર્ન અને એકાઉન્ટનું કામ કરતો હતો.જોકે, સમય મળતો ન હોય તેણે કામ બંધ કર્યું હતું.ગત 2 જાન્યુઆરીના રોજ ભાવેશભાઈએ ફરી કામ કરવા કહેતા ધવલે તેમનું કામ શરૂ કર્યું હતું.તે દરમિયાન ભાવેશભાઈએ જીએસટી રિટર્ન ભરવા માટે રૂ.3.02 લાખ ધવલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જયારે રૂ.25 હજાર રોકડા આપ્યા હતા.


પરંતુ ધવલે તમામ પૈસા રૂ.3.27 લાખ ખર્ચી નાંખતા રિટર્ન ભરાયું નહોતું.તેની જાણ ભાવેશભાઈને થતાં ધવલે પૈસા પરત આપવાની વાત કરી ટુકડે ટુકડે રૂ.2 લાખ આપી દીધા હતા.ત્યાર બાદ ગત રવિવારે બપોરે ભાવેશભાઈએ ધવલના પિતાને ફોન કરી દુકાને મળવા બોલાવતા ધવલ અને તેના પિતા ત્યાં ગયા હતા.લગભગ દોઢ કલાક વાત કર્યા બાદ ભાવેશભાઈએ ધવલના પિતાને ઘરે મોકલી ધવલને રોક્યો હતો.


બાદમાં તેમણે પોતાના માણસ પ્રતીક, રાહુલ, અમરને ફોન કરી બોળલાવતા તેઓ લાકડાના ફટકા લઈ આવ્યા હતા.બાદમાં દુકાનનુ શટર બંધ કરી ભાવેશભાઇએ ગંદી ગાળો આપી કપડાં વડે તેના હાથ-પગ બાંધી ઊંધો સુવડાવી લાતો અને ફટકા વડે માર માર્યો હતો.તેમણે ધમકી પણ આપી હતી કે મારા રૂપિયા આપી દેજે. તને પહેલી અને છેલ્લી વખત જીવતો જવા દઉ છુ અને આ બાબતે કોઇને વાત કરીશ તો તારી લાશ પણ નહી મળે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application