રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં ગવર્નર શક્તિકાંત દાસે બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રમાં ગ્રાહકોને પડતી સતત સમસ્યાઓનાં ઉકેલની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમાં મિસસેલિંગ, પારદર્શિતાનો અભાવ, લોન વસૂલાતની ખોટી પદ્ધતિઓ અને નાણાકીય સેવાઓ પર ભારે સર્વિસ ચાર્જ અને દંડ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકનાં ગવર્નરે જોધપુરમાં RBI લોકપાલની વાર્ષિક કોન્ફરન્સમાં આ વાત કહી. તેમણે બેંકોનાં રિકવરી એજન્ટો દ્વારા ઉપયોગમાં લેવાતી ગેરરીતિઓને કારણે લોન લેનારાઓને પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બેંકો અને અન્ય નાણાંકીય સેવા પ્રદાતાઓ આ ક્રિયાઓ માટે જવાબદાર છે અને વસૂલાત માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ અસ્વીકાર્ય છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ચુકવણી સંબંધિત છેતરપિંડીની ઘણી ઘટનાઓ ચિંતાનું કારણ છે. છેતરપિંડીની નવી પધ્દતીને ધ્યાનમાં રાખીને તકેદારી અને તૈયારીની જરૂર છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેથી ગ્રાહકોને શિક્ષિત કરવા એ એક મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. નિયમનકારી સંસ્થાઓએ ગ્રાહક સેવા અને ફરિયાદ નિવારણ તંત્રની કામગીરીની ગંભીરતાથી સમીક્ષા કરવાની જરૂર છે. છેતરપિંડી અને પારદર્શિતા જેવા મુદ્દાઓ પર ગ્રાહકોની સતત ફરિયાદોના મૂળ કારણનું વિશ્લેષણ કરવું જોઈએ અને જરૂરી સુધારાત્મક પગલાં તાત્કાલિક લેવા જોઈએ.
RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, બેંકોએ આ મુદ્દાઓ અને ફરિયાદોનાં નિરાકરણ માટે તેમની આંતરિક લોકપાલ પ્રક્રિયાઓને મજબૂત કરવાની જરૂર છે, જેનાથી ગ્રાહકોને RBI લોકપાલનો સંપર્ક કરવાની જરૂર પડે નહિ. આંતરિક લોકપાલને 2018માં બેંક અથવા NBFCમાં સ્વતંત્ર સર્વોચ્ચ સત્તા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. અંતિમ નિર્ણય લેતા પહેલા કાર્યાલયને ગ્રાહકોની ફરિયાદોના પ્રસ્તાવિત અસ્વીકારની સમીક્ષા કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે. તે અધિકારીને ફરિયાદોની પેટર્નનું વિશ્લેષણ કરવાની અને મૂળ કારણોને દૂર કરીને ઉકેલો સૂચવવાની પણ જરૂર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500