Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રીએ અટલ ટનલ રાષ્ટ્રને સમર્પિત કરી

  • October 04, 2020 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી લાંબી ધોરીમાર્ગ પરની ટનલ – અટલ ટનલનું મનાલીમાં આવેલા તેના દક્ષિણ હિસ્સાથી ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરી હતી.

 

9.02 કિલોમીટર લાંબી આ ટનલ મનાલી અને લાહૌલ-સ્પિતિ ખીણપ્રદેશને આખુ વર્ષ જોડેલા રાખશે. અગાઉ દર વર્ષે ભારે હિમવર્ષાના સમય દરમિયાન અંદાજે 6 મહિના માટે આ ખીણ પ્રદેશ વિખુટો રહેતો હતો.

 

સમુદ્રની સપાટીના સ્તર (MSL)થી 3000 મીટર (10,000 ફુટ)ની ઊંચાઇએ હિમાલયની ગિરીમાળાઓમાં પીર પાંજલ રેન્જમાં અતિ અદ્યતન વિશિષ્ટતાઓની મદદથી આ ટનલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

આ ટનલના કારણે મનાલી અને લેહ વચ્ચે 46 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે અને તેના કારણે અંદાજે 4થી 5 કલાકની મુસાફરીનો સમય બચી શકશે.

 

આમાં સેમી ટ્રાન્સવર્સ વેન્ટિલેશન, SCADA દ્વારા નિયંત્રિત ફાયર ફાઇટિંગ, ઇલ્યુમિનેશન અને મોનિટરિંગ સિસ્ટમ્સ સહિત પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ ઇલેક્ટ્રો-મિકેનિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટનલમાં ઉત્કૃષ્ટ કક્ષાની સલામતીની સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રી શ્રી મોદીએ ટનલના દક્ષિણ છેડાંથી ઉત્તર છેડાં સુધીનો પ્રવાસ કર્યો હતો અને ટનલમાં રાખવામાં આવેલા તાત્કાલિક નિર્ગમન સ્થળોની મુલાકાત લીધી હતી જે મુખ્ય ટનલમાં તૈયાર કરવામાં આવ્યા છે. તેઓ આ પ્રસંગે “ધ મેકિંગ ઓફ અટલ ટનલ” શીર્ષક સાથે રજૂ કરવામાં આવેલા ચિત્ર પ્રદર્શનના પણ સાક્ષી બન્યા હતા.

 

આ પ્રસંગે પોતાના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રીએ આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો કારણ કે આ દિવસ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દિવંગત શ્રી અટલ બિહારી વાજપેયીની દૂરંદેશીને ફળીભૂત કરવા ઉપરાંત આ પ્રદેશમાં વસતા કરોડો લોકોની દાયકાઓ જુની ઇચ્છા અને સપનાંને પણ સાકાર કરે છે.

 

તેમણે જણાવ્યું હતું કે, અટલ ટનલ હિમાચલ પ્રદેશ તેમજ નવા અમલમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ- લદાખના ખૂબ જ મોટા હિસ્સા માટે જીવાદોરી બની રહેશે અને તેના કારણે મનાલીથી કિલોંગ વચ્ચે 3-4 કલાકની મુસાફરીનું અંતર ઘટી જશે.

 

તેમણે ઉમેર્યું હતું કે, હવે હિમાચલ પ્રદેશ અને લેહ- લદાખના હિસ્સાઓ હંમેશા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલા રહેશે અને તેના પરિણામરૂપે અહીં આર્થિક પ્રગતીમાં વેગ આવશે.

 

તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતો, બાગાયતી કામ કરનારાઓ અને યુવાનોને પણ દેશની રાજધાની દિલ્હી તેમજ અન્ય બજારો સુધી પહોંચવામાં ઘણી સરળતા રહેશે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટીની આવી પરિયોજનાઓથી સુરક્ષાદળોને પણ નિયમિત પૂરવઠો પહોંચાડવામાં અને પેટ્રોલિંગની કામગીરી સુનિશ્ચિત કરવામાં મદદ મળી રહેશે.

 

પ્રધાનમંત્રીએ આ સપનું સાકાર કરવા માટે પોતાના જીવનું જોખમ ઉપાડનારા એન્જિનિયરો, ટેકનિશિયનો અને કામદારોના પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરી હતી.

 

તેમણે જણાવ્યું હતું કે, અટલ ટનલ ભારતના સરહદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી મજબૂતી આપવા જઇ રહી છે અને તે વિશ્વ કક્ષાની સરહદી કનેક્ટિવિટીનું જીવંત દૃશ્ટાંત બની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા માટે અને એકંદરે સરહદી વિસ્તારોમાં વિકાસ કરવા માટે ખૂબ જ જુની માંગ હોવા છતાં, દાયકાઓથી યોજનાઓમાં કોઇપણ પ્રગતી વગર માત્ર વિલંબ અને સુસ્તિ જ જોવા મળતા હતા.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલજીએ 2002માં આ ટનલ માટે એપ્રોચ માર્ગનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અટલજીની સરકાર પછીના સમયમાં, આ કામને અવગણવામાં આવ્યું હતું જેના કારણે 2013-14 સુધીના સમયમાં માત્ર 1300 મીટર એટલે કે 1.5 કિમી કરતા પણ ઓછી ટનલનું કામ પૂરું થયું હતું, મતલબ કે દર વર્ષે માત્ર 300 મીટર ટનલનું કામ થયું હતું.

 

ત્યારબાદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જો આ ગતિએ જ ટનલનું નિર્માણ કાર્ય ચાલશે તો આ પરિયોજના 2040 સુધીમાં પૂરી થઇ શકે તેમ છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ત્યારબાદ સરકારે આ પરિયોજનામાં ગતિ વધારી અને દર વર્ષે 1400 મીટરની ઝડપે ટનલનું બાંધકામ કાર્ય આગળ વધારવામાં આવ્યું. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિયોજના 26 વર્ષમાં પૂરી થશે તેવું અનુમાન હતું તેની સામે માત્ર 6 વર્ષમાં જ પૂરું કરી દેવામાં આવ્યું છે.

 

તેમણે જણાવ્યું હતું કે, દેશને જ્યારે આર્થિક અને સામાજિક પ્રગતીની જરૂર હોય ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપી ગતિએ કરવું જોઇએ. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, દેશની પ્રગતી માટે આમાં મક્કમ રાજકીય ઇચ્છાશક્તિ અને પ્રતિબદ્ધતાની જરૂર હોય છે.

 

તેમણે કહ્યું હતું કે, આવી મહત્વપૂર્ણ અને મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓ પૂર્ણ કરવામાં થતા વિલંબના કારણે આર્થિક નુકસાન થાય છે અને લોકોને આર્થિક તેમજ સામાજિક લાભોથી વંચિત રહેવું પડે છે.

 

તેમણે કહ્યું હતું કે, 2005માં આ ટનલનું નિર્માણ કરવા માટે રૂપિયા 900 કરોડ ખર્ચ થશે તેવો અંદાજ આંકવામાં આવ્યો હતો. પરંતુ એકધારા વિલંબના કારણે, આજે આ પરિયોજના અંદાજિત કરતાં ત્રણ ગણો એટલે કે રૂપિયા 3200 કરોડનો ખર્ચ કર્યા પછી પૂરી થઇ શકી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલ ટનલની જેમ અન્ય બીજી પણ સંખ્યાબંધ મહત્વપૂર્ણ પરિયોજનાઓ પ્રત્યે આવું જ વલણ અપનાવવામાં આવ્યું હતું.

 

વાયુદળને એર સ્ટ્રીપની જરૂરિયાત હોવા છતાં, લદાખમાં વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ એર સ્ટ્રીપ દૌલત બેગ ઓલ્ડીનું કામ 40-45 વર્ષથી અધુરું છે.

 

તેમણે કહ્યું હતુ કે, બોગીબીલ પુલનું નિર્માણ કાર્ય પણ અટલજીની સરકારના સમયમાં શરૂ થયું હતું પરંતુ બાદમાં તે પરિયોજના પણ વિલંબમાં પડી. આ પુલ અરુણાચલ અને પૂર્વોત્તર પ્રદેશ વચ્ચે મુખ્ય કનેક્ટિવિટી પૂરી પાડે છે. તેમણે કહ્યું કે, આ કાર્યમાં 2014 પછી અભૂતપૂર્વ વેગ આવ્યો અને લગભગ બે વર્ષ પહેલાં અટલજીના જન્મદિવસે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

 

તેમણે કહ્યું હતું કે, બિહારમાં મિથિલાંચલના બે મુખ્ય પ્રદેશોને જોડવા માટે અટલજીએ કોસી મહાસેતુનો શિલાન્યાસ પણ કર્યો હતો. 2014 પછી સત્તામાં આવેલી સરકારે કોસી મહાસેતુના બાંધકામનું કાર્ય ખૂબ ઝડપભેર આગળ વધાર્યું અને બે અઠવાડિયા પહેલાં જ આ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે અને છેલ્લા છ વર્ષમાં માર્ગો, પુલ કે પછી ટનલ સહિતના કોઇપણ સરહદી ઇન્ફ્રસ્ટ્રક્ચરના કાર્યો ખૂબ જ જોશ અને ઉત્તમ ગતિ સાથે આગળ વધારવામાં આવી રહ્યાં છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં સંરક્ષણ દળોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી તે સરકારની સૌથી ટોચની પ્રાથમિકતાઓમાંથી એક છે. પરંતુ અગાઉ આ બાબત સાથે બાંધછોડ કરવામાં આવતી હતી અને દેશના સંરક્ષણ દળોના હિતો સાથે સમાધાન કરવામાં આવતું હતું.

 

તેમણે સંરક્ષણ દળોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સંખ્યાબંધ પહેલ જેમ કે, એક રેન્ક એક પેન્શન યોજનાનો અમલ, અદ્યતન યુદ્ધ વિમાનોની ખરીદી, શસ્ત્રો, અદ્યતન રાઇફલો, બુલેટપ્રૂફ જેકેટ્સ, અત્યંત ઠંડીમાં ઉપયોગમાં લેવાતા ઉપકરણો વગેરેની ખરીદીનો ઉલ્લેખ કર્યો હતો જેને અગાઉની સરકારે સ્થગિત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકારોમાં આવું કરવાની કોઇ રાજકીય ઇચ્છાશક્તિ નહોતી અને કહ્યું હતું કે દેશમાં વર્તમાન સમયમાં આ પરિસ્થિતિ હવે બદલાઇ રહી છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ ઉત્પાદનમાં FDIમાં રાહત જેવા મોટા સુધારા કરવામાં આવ્યા છે જેથી દેશમાં જ અદ્યતન શસ્ત્રો અને હથિયારોનું ઉત્પાદન થઇ શકે.

 

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની રચના અને સંરક્ષણ દળોની જરૂરિયાતો અનુસાર ખરીદી અને ઉત્પાદન બંને બાબતે બહેતર સંકલનના રૂપમાં આ સુધારાઓની શરૂઆત કરવામાં આવી હતી.

 

તેમણે વધુમાં કહ્યું હતું કે, વૈશ્વિક મોરચે ભારતના થઇ રહેલા ઉદયને અનુરૂપ, દેશને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તેની આર્થિક અને વ્યૂહાત્મક સંભાવનાઓ પણ એટલી જ ઝડપે સુધારવાની છે.

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલ ટનલ એ આત્મનિર્ભર બનવા માટે દેશના દૃઢ નિર્ધારનું ઝળહળતું ઉદાહરણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application