Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મનપા કમિશ્નરે લિંબાયત ઝોનના અલગ અલગ વિસ્તારોમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી

  • August 19, 2020 

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી પરવત પાટીયા અને લિંબાયતમાં ખાડી પૂરના પાણી સંપૂર્ણ ઓસર્યા નથી ત્યાં ફરી ખાડી પૂરનું સંકટ તોળાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે મંગળવારે સવારે વરસાદનું જોર ઘટી જતાં તંત્રએ હાશકારો લીધો છે. પરંતુ ખાડીના લેવલ ફરીથી થોડા વધી જવા પામ્યા છે. તે દરમ્યાન સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને લિંબાયતના અલગ અલગ વિસ્તારોમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. લોકોને જરૂરી સુચનો કરી  યુદ્ધના ધોરણે સફાઇ કામગીરી કરવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.

સુરત શહેરમાં ખાડી પુર આવ્યા બાદ પાણી ધીમે ધીમે ઓસરવા માંડ્યા છે. જે વિસ્તારમાં સંપુર્ણપણે પાણી ઓસરી ગયા છે ત્યાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે સુરત મહાનગર પાલિકા દ્વારા યુધ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. સફાઇ કામદારોની એક ટીમ સફાઇ માટે ઉતારી દેતા એક જ દિવસમાં ૧૭ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. જે દરમ્યાન મંગળવારે લિંબાયતના મીઠી ખાડી, કમરુનગર, પરવત પાટીયા સહિતના વિસ્તારો ખાડીના પાણીથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે. ખાડીના પાણી ઓસરતા ૪ દિવસ લાગ્યા છે. પાણી ઉતર્યા બાદ આ વિસ્તારમાં ભારે ગંદકીના માહોલથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. પાલિકાએ પાણી ઉતર્યા બાદ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરીને દવાનું વિતરણ પણ શરૂ કર્યું છે. કામગીરીનું નિરીક્ષણ કરવા મંગળવારે પાલીકા કમિશનરે અધિકારીઓ સાથે ઝોનના અલગ અલગ વિસ્તારોની મુલાકાત કરી છે. અસરગ્રસ્તોને માટે ૧૩ પાણીના ટેન્કર,૨૦ લીટરના પાણીના કેરબા અને ફુટપેકેટની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલીકા કમિશનરે જણાવ્યુ હતું. સાથે ખાડીપુરની સમસ્યાનું કાયમી ઉકેલ થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે.આ વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલની ટીમ સાથે ધન્વંતરી રથ પણ મુકવામાં આવ્યુ છે.બીજી બાજુ સુરત જિલ્લાના માંડવી, મહુવા, બારડોલી, પલસાણા, ચોર્યાસી તાલુકામાં વરસાદથી મીઠીખાડીની સપાટી  મંગળવારે સવારથી જ ૮.૪૦ મીટર ઉપર સ્થિર થઇ ગઇ છે. જેથી તંત્ર એલર્ટ થઇ ગયું છે.

 

મીઠીખાડી ભયજનક લેવલ ૭.૫૦ મીટરથી ઉપર વહી રહી છે. બપોરના ૧૨ વાગ્યા સુધી કાંકરા ખાડી ૫.૯૦ , ભયજનક સપાટી ૬.૫૦ મીટર , ભેદવાડ ખાડી ૫.૯૦ , ભયજનક સપાટી ૬.૭૫ મીટર , મીઠી ખાડી ૮.૪૦ , ભયજનક સપાટી ૭.૫૫ મીટર , ભાઠેના ખાડી ૬.૦૦ ,  ભયજનક સપાટી ૭.૭૦ મીટર અને સીમાડા ખાડી ૪.૪૦ , ભયજનક સપાટી ૫.૪૦ મીટર પર વહી રહી છે. ચાર દિવસ પહેલા ૯ મીટર સુધી સપાટી પહોંચી જતા ખાડી પૂરથી પરવત પાટીયા, લિંબાયત અને સણિયા હેમાદમાં ખાડી પૂરની ભયંકર સ્થિતિ સર્જાતા ૧ લાખથી લોકો પ્રભાવિત થયા હતા. જ્યાં હજુ પણ સંપૂર્ણ પાણી ઓસર્યા નથી. ઘરોમાંથી પાણી ઉતરી ગયા છે. જોકે, રસ્તાઓ પર હજુ પણ થોડા પાણી છે. વરસાદ ન પડે તો સાંજ સુધીમાં પાણી ઉતરવાની શક્યતા છે.ખાડી પૂરે પરવટ પાટીયાથી લઈ લિંબાયતમાં વેરેલી તારાજીથી હાલત કફોડી થઈ ગઈ છે. ચોથા દિવસે ખાડીના ગંદા પાણી ઘરોમાંથી ઓસરતાં ઠેર-ઠેર ગંદકીના થરો, અસહ્ય દુર્ગંધે લોકોનું જીવવું દોઝખ કરી દીધું છે. રોગચાળો ફાટી નીકળે તેવો ડર વ્યક્ત થઈ રહ્યો છે.

 

ત્યારે પાલિકાએ તમામ ઝોનમાંથી ૮૪ સફાઈ કામદારો, એસઆઈ - એસએસઆઈની ટીમો બનાવી સાફસફાઈ-જંતુનાશક દવા છંટકાવ અભિયાન જારી કરી દીધું છે. બીજી બાજુ શહેરની જૂની સિવિલના સીએમઓ ડો. શક્તિ આમલીયા કહે છે કે, ખાડીના ગંદા પાણી ગંદકીના સીધા સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્ય સામે જોખમ રહેલું છે. ખાડીના પાણી-ગંદકીથી લેપ્ટો , કોલેરા , ગેસ્ટ્રો , ન્યુમોનિયાનો ખતરો તોળાઇ રહ્યો છે. સતત વાદળ છાયા વાતાવરણ, વરસાદ, ભેજ-ઠંડી છેલ્લા અઠવાડિયાથી હોય વાતાવરણમાં રહેલાં લાખો વાઈરસને ફેલાવવા માટે હાલનું વાતાવરણ ખૂબ જ અનુકૂળ હોય છે. હાલ કોરોના મહામારી મોં ફાડીને ઉભો છે ત્યારે ખાડી પૂર આવ્યું છે તે વિસ્તારમાં કમળો, લેપ્ટોસ્પાઈરોસીસ, કોલેરા, ઝાડા-ઉલ્ટી, ગેસ્ટ્રો, ન્યુમોનિયા થવાનો ખતરો વધી જતો હોય છે. પગના ચિરા વાટે લેપ્ટો. થઈ શકે છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application