Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી બે દિવસ પંજાબ અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની હવામાન વિભાગની આગાહી

  • December 25, 2022 

દેશમાં અંતે ડિસેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે ત્યારે લોકોને શિયાળાની ઠંડીનાં ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. પારો ગગડતાં ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું હતું, જ્યારે ગુજરાતની સરહદે માઉન્ટ આબુ પણ માઈનસ 5 ડિગ્રી તાપમાનમાં થીજી ગયું હતું. કાશ્મીરનાં પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ હતી, જેને પગલે કુપવારા-ભદેરવાહમાં સિઝનની સૌથી ઠંડી રાત અનુભવાઈ હતી. વધુમાં દેશના 11 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. આગામી બે દિવસ પંજાબ, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.



દેશમાં સામાન્ય સમયમાં ડિસેમ્બરમાં શિયાળો મધ્યમાં પહોંચી ગયો હોય છે. પરંતુ આ વર્ષે લોકોને છેક હવે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. દેશનાં લોકપ્રિય પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં શનિવારે તાપમાન ગગડીને માઈનસ એક ડિગ્રી પહોંચ્યું હતું જ્યારે આબુની સૌથી ઊંચી ચોટી ગુરુશિખર પર પારો માઈનસ ચાર ડિગ્રી સુધી ગગડયો હતો. પરિણામે સર્વત્ર બરફની ચાદર છવાઈ હતી. છેલ્લા બે દિવસથી પવન ફુંકાતા લોકોને ઠંડીનો અહેસાસ થવો લાગ્યો હતો. પ્રવાસન સ્થળ પર જાણે બરફ વર્ષા થઈ રહી હોય તેવી કાતિલ ઠંડી પડી હતી અને સવારમાં બાગ બગીચા ખુલ્લા ગ્રાઉન્ડની ઘાસ પર પડેલ પાણી અને પાકગ કરાયેલ ગાડીઓ ઊપર બરફના પડ થઈ ગયા હતા.



જોકે, શહેરમાં છેલ્લા 17 દિવસથી તાપમાન ચઢ-ઉતર થતું હોવાથી સહેલાણીઓ આનંદમાં આવી ગયા હતા. હિમવર્ષાને પગલે ઠેરઠેર બરફની ચાદર છવાતા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડયા હતા. દરમિયાન કાશ્મીર ખીણમાં અનેક સ્થળો પર લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા ઠંડીએ પકડ જમાવી હતી. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.4 ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે કુપવારા અને ભદેરવાહમાં સિઝનની સૌથી વધુ ઠંડી રાત નોંધાઈ હતી. સ્કી રિસોર્ટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત ગુલમર્ગમાં તાપમાન માઈનસ 6.4 ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે કુપવારા શહેરમાં તાપમાન 5.2 ડિગ્રી સે. નોંધાયું હતું. 



અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પમાંના એક પહલગામમાં પણ તાપમાન શૂન્યથી 6.4 ડિગ્રી નીચે ગયું હતું. બીજીબાજુ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખનાં લેહ અને કારગીલમાં તાપમાન અનુક્રમે માઈનસ 13.0  ડિગ્રી અને 12.5 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરમાં 40 દિવસનાં આકરા શિયાળાનો સમય 'ચિલ્લાઈ કલાન' 21મીથી શરૂ થયો છે ત્યારે ઠંડીનો પ્રકોપ હજુ વધશે તેવી આગાહી થઈ રહી છે. બીજીબાજુ પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં પણ તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડયો હતો.




પંજાબ અને હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. ચંડીગઢ 2.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. હરિયાણાના અંબાલામાં લઘુત્તમ તાપમાન 4.8  ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ઠંડી વધતા ગાઢ ધુમ્મસ સર્જાયું હતું. પરિણામે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ મુજબ આગામી બે દિવસ પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ૧૧ જેટલા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application