કેરળ હાઈકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. આ મામલો વૈવાહિક વિવાદનો હતો. જસ્ટિસ અનિલ કે નરેન્દ્રન અને જસ્ટિસ જી ગિરીશની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે કોઈ પણ પત્ની પાસેથી ક્રૂરતા અને અત્યાચાર સહન કરવાની અપેક્ષા રાખવી જોઈએ નહીં અને તેના જીવનસાથીની ખુશી માટે તેના માનસિક સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું જોઈએ નહીં.
કેરળ હાઈકોર્ટે એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. વ્યક્તિએ તેની પત્ની દ્વારા ક્રૂરતા અને ત્યજી દેવાના આધારે લગ્ન સમાપ્ત કરવા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. જેને ફેમિલી કોર્ટે ફગાવી દીધી હતી. અરજદારે દાવો કર્યો હતો કે તેની પત્નીએ તેની સાથે મૌખિક અને ભાવનાત્મક રીતે દુર્વ્યવહાર કર્યો હતો. પત્નીએ તેના લગ્ન અને તેના પતિ પ્રત્યેની જવાબદારીઓ અને ફરજો નિભાવવાની ના પાડી. પરિણામે, તેની પત્નીના આ વલણથી તેમના ઘરમાં ઝઘડો થયો અને તેમના સંબંધોમાં ખાટાશ આવી ગઈ હતી. પતિએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે પત્નીએ ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ તેની અને તેના પરિવાર વિરુદ્ધ ખોટી ફરિયાદો નોંધાવી હતી.
જોકે, પત્નીએ સુનાવણી દરમિયાન આ આરોપોનો વિરોધ કર્યો હતો. પત્નીનો આરોપ છે કે તે તેના પતિ અને તેના પરિવારના હાથે શારીરિક અને માનસિક ક્રૂરતાનો શિકાર બની હતી. તેણીએ તેમના પર દહેજની માંગણી કરવાનો, ગર્ભપાત કરાવવા માટે દબાણ કરવાનો અને તેણીને તેમના બાળકથી દૂર રાખવાનો આરોપ મૂક્યો હતો. પત્નીએ કોર્ટ સમક્ષ પોતાના આરોપોના પુરાવા પણ રજૂ કર્યા હતા. જે કેરળ હાઈકોર્ટને પર્યાપ્ત જણાયું હતું. તે જ સમયે, પતિએ પત્ની પર કરેલા દુર્વ્યવહારના આરોપોને સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયા હતા.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે વૈવાહિક બાબતોમાં ક્રૂરતાનો અર્થ જીવન, શરીરના કોઈપણ અંગને અથવા સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું છે. પરંતુ આ કિસ્સો તેનાથી તદ્દન અલગ છે. આમાં પત્ની અને પતિ વચ્ચે સંવાદિતાનો વધુ અભાવ જોવા મળે છે. જેના કારણે પત્ની કૌટુંબિક જીવન જાળવી શકતી નથી. કોર્ટે સામાન્ય વૈવાહિક મુદ્દાઓ અને ક્રૂરતા વચ્ચેના તફાવતને સમજવા પર ભાર મૂક્યો હતો અને અંતે કહ્યું કે લગ્નજીવનમાં સંવાદિતાનો અભાવ લગ્ન સમાપ્ત કરવા માટેનું કારણ બની શકે નહીં. આ રીતે હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500