કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરી 2021 અને 2022ની વચ્ચે જાહેર કરાયેલા દસ બ્લોકિંગ આદેશોને પડકારતી ટ્વિટરની અરજીને ફગાવી દીધી હતી, જેમાં સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીને 39 URLને દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, ટ્વિટર (Twitter) કોઈ ખેડૂત કે કાયદાથી અજાણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ અબજોપતિ કંપની છે. આ સાથે કોર્ટે કહ્યું કે, કંપનીની અરજીનો કોઈ આધાર નથી. જસ્ટિસ કૃષ્ણા એસ દીક્ષિતની સિંગલ બેંચે ટ્વિટર કંપની પર 50 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે અને તેને 45 દિવસની અંદર કર્ણાટક સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ દીક્ષિતે કહ્યું કે, તેઓ કેન્દ્ર સરકારના સ્ટેન્ડથી સહમત છે કે, તેની પાસે માત્ર ટ્વીટ્સને બ્લોક કરવાની સત્તા નથી, પરંતુ તે એકાઉન્ટ્સને પણ બ્લોક કરી શકે છે.
અદાલતે નિર્ણયના મુખ્ય ભાગને વાંચતા કહ્યું કે, ઉપરોક્ત સંજોગોમાં, આ અરજી યોગ્યતા વગરની હોવાથી, અનુકરણીય ખર્ચ સાથે ફગાવવા માટે જવાબદાર છે અને તે મુજબ કરવામાં આવે છે. અરજદાર પર રૂ.50 લાખનો દંડ લાદવામાં આવે છે, જે 45 દિવસની અંદર કર્ણાટક સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી, બેંગલુરુને ચૂકવવાપાત્ર છે. જો તેમાં વિલંબ થાય છે, તો તેના પર દરરોજ 5,000 રૂપિયાનો વધારાનો ચાર્જ લાગશે. ટ્વિટરની અરજીને ફગાવી દેતા ન્યાયાધીશે કહ્યું કે, હું કેન્દ્રની દલીલ સાથે સંમત છું કે, તેમની પાસે ટ્વીટ્સને બ્લોક કરવાની અને એકાઉન્ટ ફ્રીઝ કરવાની સત્તા છે. ફેબ્રુઆરી 2021થી 2022 સુધી કેન્દ્ર સરકારે ટ્વિટરને કેટલાક એકાઉન્ટ બંધ કરવા સહિત અનેક સૂચનાઓ આપી હતી, પરંતુ ટ્વિટર આ સૂચનાઓ વિરુદ્ધ હાઈકોર્ટમાં ગઈ હતી. હવે આ મામલે કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500