ભારતીય હવામાન વિભાગે આજે 20 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પશ્ચિમ બંગાળના ગંગા કિનારે અને તેની પાસેના બાંગ્લાદેશ ઉપર ઊંડા ડિપ્રેશનના કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશામાં ઘણા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આઇએમડીના જણાવ્યા મુજબ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો પર સર્જાયેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આ ઊંડુ ડિપ્રેશન આજે ધીરે ધીરે નબળું પડીને માત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડિપ્રેશનનો ભાગ ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢ તરફ આગળ વધી રહ્યો છે.
આ ઉપરાંત પૂર્વ મધ્ય પ્રદેશ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોના ઘણા ભાગોમાં 20 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો રાજ્યમાં 18 સપ્ટેમ્બરથી ફરી હવામાન બગડી શકે છે. શિમલાના હવામાન કેન્દ્રએ 18 સપ્ટેમ્બર માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે.
કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમૌર જિલ્લામાં પણ હવામાન ખરાબ રહેશે. રાજ્યમાં 21 સપ્ટેમ્બર સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવના છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આજે અને આવતીકાલે 17મી સપ્ટેમ્બરે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભગના જણાવ્યા મુજબ, 17 સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તારિખ 18મીથી 21મી સપ્ટેમ્બર સુધીમાં કચ્છ જિલ્લાનું હવામાન સૂકું એટલે કે ડ્રાય રહેવાની સંભાવના છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500