Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરકાર માલધારી સમાજની માંગો સામે ઝૂકી, સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

  • September 22, 2022 

ગુજરાત વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાયુ છે. અધ્યક્ષે બિલ પરત ખેંચવા માટે અનુમતિ આપી છે. છેલ્લા કેટલાક સમયથી પશુપાલકો રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત લેવાની માંગ કરી રહ્યા હતા. આજથી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર ચાલું થયું છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ છેલ્લું સત્ર છે. વિધાનસભા ગૃહમાં સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સરકાર માલધારી સમાજની માંગો સામે ઝૂકી ગઈ છે અને માલધારી સમાજની જીત થઈ છે.




ચૂંટણીમાં આ બિલની અસર ન પડે એટલા માટે થઈને સરકારે આ નિર્ણય લીધો છે અને બિલ પરત ખેંચ્યું છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે,સર્વાનુમતે કામકાજ સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે,કોંગ્રેસ ડરી ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તા વેર-વિખેર થઈ ગયા છે. આ મામલે સરકારે ખુલ્લા મને ચર્ચા કરી છે અને મહાનગર પાલિકામાં પણ કોઈ તકલીફ ન પડે એટલા માટે સરકારે આ નિર્ણય લીધો છે. તમામ રીતે ઢોર નિયંત્રણ કાયદો સર્વાનુમતે પાછો ખેંચવામાં આવ્યો છે. આ નિર્ણય લઈને સરકારે રાજ્યોનું હિત જાળવ્યું છે. રાજ્ય સરકાર જેટલા પ્રશ્નો ઉકેલાય એટલી તૈયારી દાખવે છે. અનેક રાજ્યોની અલગ-અલગ પરિસ્થિતિ હોય છે. ચર્ચાથી દરેક પ્રશ્નોનો ઉકેલ આવતો હોય છે.



કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું કે,માલધારી સમાજે ૨૧ સપ્ટેમ્બરે દૂધ ન વેચવાનો નિર્ણય કર્યો હતો. તેના પગલે આજે ૧૦૦ લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવવાનું બંધ રહ્યું હતું. કેટલાક માલધારી સમાજે આજે ગરીબ લોકોને હોસ્પિટલમાં દૂધ વહેચ્યું હતું. આવતી કાલે ગૌમાતાને લાડવા ખવડાવવા તેમજ પશુઓને ચણ આપવાનો કાર્યક્રમ ચાલું રહેશે. રખડતા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવા પર કોંગ્રેસ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું કે,૩૧-૦૩-૨૦૨૨ના રોજ ઢોર નિયંત્રણ બિલ લાવવામાં આવ્યું હતું તે કોઈ પણ અભ્યાસ વિના લાવવામાં આવ્યું હતું. સરકારને પાછળથી એ વાતની ભાન થઈ કે,આ બિલ ખોટુ લાવવામાં આવ્યું છે તેથી આજે તે બિલને પાછું ખેંચવામાં આવ્યું છે. ગૌમાતા રોડ પર આવે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. અકસ્માત જેવા બનાવો ન બને તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા સરકારે કરવી જોઈએ.




સરકારે જે માલધારીઓ પર કેસ કર્યો હતો તે પરત ખેંચવામાં આવે 


તેમણે વધુમાં જણાવ્યું કે,હજુ અમારી માંગણી છે કે,આ કાયદો ખોટી રીતે લાવવામાં આવ્યો હતો. ઢોર પકડવા મામલે દંડમાં પણ વધારો કરવાનો કાયદો અને પકડવાનો કાયદો છે ત્યારે આ કાયદો લાવવાની જરૂર નથી. આ કાયદો લાવવાથી માલધારી સમાજ આવેશમાં આવી ગયો હતો. આ મામલે માલધારી સમાજે શેરથા ખાતે મોટું સંમ્મેલન કર્યું હતું. આજે માલધારીઓની જીત થઈ છે. આવનાર સમયમાં શહેરીકરણ થાય તેનો વાંધો નથી પરંતુ પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. સરકારે જે માલધારીઓ પર કેસ કર્યો હતો તે પરત ખેંચવામાં આવે તેવી માંગણી છે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application