ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ શરૂ થઈ રહી છે. સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારતનું બુલેટ ટ્રેનનું આકર્ષણ તેની સુવિધાઓ અને ઝડપ જોઈને વધી રહ્યું છે. બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે? આ અંગે ચર્ચા ચાલી રહી છે. આખો દેશ બુલેટ ટ્રેનને પાટા પર દોડતી જોવાની રાહ જોઈ રહ્યો છે. આ બુલેટ ટ્રેન વિશે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની માહિતી આપી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન 2026 માં પાટા પર દોડવાનું શરૂ કરશે, એમ તેમણે જણાવ્યું હતું. ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 2026માં તૈયાર થશે અને મુંબઈ રૂટના સુરત સેક્શન પર દોડશે. રેલવે મંત્રીએ કહ્યું કે, આ બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળ દરમિયાન દોડશે. રેલવે મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે, સ્ટેશનોના નિર્માણમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.
દરિયાઈ ટનલનું કામ શરૂ થઈ ગયું છે. આ ટનલ દ્વારા ટ્રેન થાણેથી મુંબઈ પહોંચશે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન બંને શહેરો વચ્ચેનું 508 કિમીનું અંતર માત્ર 2 કલાકમાં કાપશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરેલા એક વીડિયોમાં રૂપિયા 1.08 લાખ કરોડના રોકાણની બુલેટ ટ્રેન વિશે માહિતી આપી હતી. બુલેટ ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને સાત હિલ ટનલ બનાવવામાં આવી રહી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી દરિયાઈ ટનલ પણ હશે. બુલેટ ટ્રેન કોરિડોરમાં સ્લેબ ટ્રેક સિસ્ટમ હશે, એક ટેક્નોલોજી જેનો ભારતમાં પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવશે. જાપાન સરકાર આ પ્રોજેક્ટમાં મદદ કરી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાબરમતી છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ આ બાંધકામ પર સતત કામ કરી રહી છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500