Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડિંગમાં ભયાનક આગ : 27નાં મોત, ફાયર વિભાગ અને NDRFનું સર્ચ ઓપરેશન શરૂ

  • May 14, 2022 

દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી. જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજા ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. જયારે આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.



વધુમાં આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજા માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કંપનીના માલિકો હરિશ ગોયલ અને વરુણ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મકાન માલિક ફરાર છે. તેમની ઓળખ મનીષ લાકરાના રૂપમાં થઈ છે. મકાન માલિકે બિલ્ડીંગની છત પર નાનો ફ્લેટ બનાવ્યો હતો. ફાયર વિભાગ અને NDRFએ સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઈમારતમાં હજુ પણ 3 થી 4 લોકો ફસાયા હોવાની આશંકા છે.



દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે જણાવ્યું કે, આ અભિયાનમાં કોઈ અગ્નિશામકો ઘાયલ નથી થયા. તેમણે કહ્યું કે, વહેલી સવાર સુધી 6 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે તૈનાત હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આગની માહિતી શુક્રવારે સાંજે 4.45 કલાકે મળી હતી, ત્યારબાદ 30થી વધુ ફાયર ટેન્ડરોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. જોકે શરૂઆતી પૂછપરછમાં પોલીસને માહિતી મળી કે, ચાર માળની બિલ્ડિંગમાં કંપનીઓને ઓફિસની જગ્યા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ માળે એક કંપનીની ઓફિસ હતી અને તેના 50થી વધુ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને 27 લોકોનાં મૃતદેહ મળી આવ્યા હતા.



જયારે બચાવાયેલા લોકોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા માટે કેટલીક એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર હતી. ફાયર બ્રિગેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આગ લગભગ 11 વાગ્યે કાબૂમાં આવી હતી પરંતુ રેફ્રિજરેશન ઓપરેશન ચાલુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આગના કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.



વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીમાં ભીષણ આગની ઘટનામાં થયેલા લોકોના મોતથી ખૂબ જ દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી, આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ સતત અધિકારીઓના સંપર્કમાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application