જયપુરમાં જ્વેલરીની કંપની અને બે રિયલ એસ્ટેટ ડેવલોપર્સના પરિસરોમાં દરોડા પાડીને આવકવેરા વિભાગે 1400 કરોડ રૂપિયાના કાળા નાણાના વ્યવહારો પકડી પાડયા છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે. સીબીડીટીના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરીના રોજ આ કંપનીઓના કુલ 31 પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. સીબીડીટીના જણાવ્યા અનુસાર ડેવલોપર કંપની દ્વારા છેલ્લા 6 થી 7 વર્ષોમાં કરવામાં આવેલા ગેરકાયેદર નાણાકીય વ્યવહારોની વિગતો તેના મુખ્ય પરિરસના બેઝમેન્ટમાંથી મળી આવી હતી.
આ ડેવલોપરના કુલ 650 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતાં. અન્ય એક ડેવલોપર ગૃપના 226 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા હતાં. આ ગૃપ કોમર્શિયલ સેન્ટર, ફાર્મ હાઉસ, ટાઉનશીપ અને રેસિડેન્સિયલ એન્કલેવના નિર્માણ સાથે સંકળાયેલુ છે.આ ગૃપની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે નાણાકીય પત્રકોમાં એક લાખ રૂપિયાનું રોકાણ દર્શાવ્યું હતું જ્યારે વાસ્તવમા આ રોકાણ ખૂબ જ વધારે હતું. જ્વેલરી ગૃપમાં પાડવામાં આવેલા દરોડામાં કુલ 525 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતાં.
આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના બિલ્ડરોને ત્યાં પણ દરોડા પાડીને કુલ 520 કરોડ રૂપિયાની બ્લેક ઇન્કમ પકડી પાડી હતી તેમ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.આ દરોડા દરમિયાન કુલ 10.16 કરોડ રૂપિયાની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. આ દરોડા બોરિવલી, મીરા રોડ અને ભાયન્ડર વિસ્તારમાં પાડવામાં આવ્યા હતાં. સીબીડીટી આવકવેરા વિભાગના નિર્ણયો લેતી સૌથી ઉચ્ચ સંસ્થા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500