Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ માત્ર ૧૫ જેટલી સો-મિલોને જ નોટીસ ઈશ્યુ કરી, ફોરેસ્ટ વિભાગની કામગીરી શંકાના દાયરામાં..

  • August 14, 2023 

દક્ષીણ ગુજરાતનું નામ પડતું એટલે એક સમયનો હરિયાળો જંગલોનું વિસ્તાર ધરાવતો તાપી જિલ્લાનું નામ દરેકના મોઢે પહેલા બોલાતું હતું.જેમાં વન્યપ્રાણીઓ પણ રહેતા હતાં.અને જંગલ વિસ્તાર હોવાને કારણે વરસાદનું પ્રમાણ પણ સારુ રહેતું હતું.સમય જતાં જંગલો બોરા થયા તેમજ વૃક્ષોનું આડેધડ કટિંગને કારણે હાલની પરિસ્થિતિમાં વિસ્તારમાં વરસાદનું પ્રમાણ પણ ઘટી ગયું છે.સમયાંતરે વૃક્ષોના જતનનો અભાવ,ફોરેસ્ટ વિભાગ અને લાકડાચોરોના મેળાપીપણામાં લાકડાની તસ્કરીને લઈ જંગલો ઘટતા ગયા હોવાનું અહીના પ્રકૃતિ પ્રેમીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.



જોકે હવે જંગલોમાંથી કિંમતી વૃક્ષોનું નિકંદન કરવા મોડસ ઓપરેન્ડી બદલાઈ છે.તાપી જિલ્લાના જંગલોનો સફાયો કરવા માટે જિલ્લામાં પરવાનગી વિના જ કેટલીક સો-મિલ ધમધમતી થઇ છે,ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ આવી સો-મિલોમાં તપાસ હાથ ધરી ગેરકાયદેસર જણાય તો સો-મિલોને સીલ મારવાની કાર્યવાહી કરવાને બદલે સેટિંગ ડોટ કોમમાં પડ્યા હોવાની માહિતી સામે આવે છે.જિલ્લાનું ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના કેટલાક ભ્રષ્ટઅધિકારીઓ જાણે અહીના જંગલોના કિંમતી વૃક્ષોનું નિકંદન કરવાની તૈયારીઓમાં લાગ્યા હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી છે.




તાપીમિત્ર એક્સપ્રેસ સાપ્તાહિક અખબારના તા.૦૫/૦૮/૨૦૨૩ના આંકમાં આ મામલે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવાને બદલે તાપી જિલ્લા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ માત્ર તેઓના રેકોર્ડ પર બોલાતી ૧૫ જેટલી સો-મિલોને નોટીસ ફટકારી છે,જોકે તે એક દેખાડવા પુરતી કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.કારણ સ્પષ્ટ છે,ફોરેસ્ટ વિભાગની પરવાની વિના ધમધમતી સો-મિલો સામે કાર્યવાહી જ કરવામાં આવી નથી.જેને લઇ ફોરેસ્ટ વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.



તાપી જિલ્લામાં ચાલુ વર્ષેની ગણતરીએ કુલ-૯૧૦૬૯.૯૭ હેક્ટર વિસ્તારમાં જંગલ છે.વાલોડ તાલુકો બાદ કરતાં વ્યારા,સોનગઢ,ઉચ્છલ,નિઝર અને કુકરમુંડા તેમજ ડોલવણ તાલુકામાં અગાઉ ગીચ જંગલો હતાં,જેમાં ઈમારતી સાગી લાકડું હતું.સમય જતા ફોરેસ્ટ વિભાગ વહીવટીતંત્રની ઢીલી નીતિનો લાભ લઈ ઈમારતી લાકડાની તસ્કરી કેટલા પ્રમાણમાં થઈ છે.અહીંનું કિંમતી લાકડુ લાકડાચોરો અને કેટલાક સો-મિલોના સંચાલકોની મદદથી સગેવગે કરી દેવામાં આવ્યું હોવાનું કહેવું ખોટું નથી. કારણ કે,લાકડા ચોરીના ગુન્હામાં સંડોવાયેલા વોન્ટેડ લાકડાચોરો અને ફોરેસ્ટ વિભાગના જ કેટલાક ભ્રષ્ટઅધિકારીઓના પાપે અહીંના વિસ્તારમાં પરવાની વિના જ કેટલીક સો-મિલો ધમધમતી થઇ છે.


ફોરેસ્ટ વિભાગની કામગીરી સાથે જોડાયેલા કેટલાક પ્રકૃતિ પ્રેમીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે,છેલ્લા પાંચ વર્ષમાં તાપી જિલ્લામાં એકપણ સો-મિલોને મંજુરી આપવામાં આવી નથી.હાલમાં તાપી જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મંજુરી વિના ડઝનથી વધુ સો-મિલો ધમધમી રહી છે.આવી સો-મિલો સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.ત્યારે ડીસીએફ પુનિત નૈય્યર સાહેબે આ બાબતને ગંભીરતા લઇ તાપી જિલ્લા ફોરેસ્ટ વિભાગની છબી ખરડાવતા ભ્રષ્ટઅધિકરીઓની ભૂતકાળની કરમ કુંડળી તપાસી પ્રમાણિક અધિકારીને તપાસ સોંપી પરવાનગી વિના ધમધમતી સો-મિલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application