Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાનો ઉકાઇ ડેમ 32.53 ટકા ભરાયો : જળસપાટી 312.34 ફુટે પહોંચી

  • July 15, 2023 

તાપી જિલ્લાના સોનગઢ ખાતે ઉકાઇ ડેમની જળ સપાટીમાં ભારે વરસાદના કારણે વધારો થયો છે. જેમાં હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં કુલ ૪.૧૧ ફુટ જેટલા વધારા સાથે હાલ ઉકાઇ ડેમની સપાટી ૩૧૨.૩૪ ફુટે પહોંચી છે. આ બાબતે ઉકાઇ ડેમ પરના અધિકારી પી.જી.વસાવા, કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, ચોમાસા પૂર્વે ઉકાઇ ડેમની જળ સપાટી ૩૦૮.૨૩ ફુટ નોંધાયેલ હતી, જેમાં વર્તમાન ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની જળ સપાટી ૩૧૨.૩૪ ફુટે પહોંચી છે. એટલે કે ડેમમાં ૪.૧૧ ફુટ જેટલા નવા નીરની આવક નોંધાઇ છે.



આ સાથે જ હાલ ડેમમાં ૧૦૨૫૨૩ ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. ડેમ સાઇટ પર વર્તમાન ચોમાસામાં અંદાજીત ૬૮૧ મી.મી. જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે હાલ ઉકાઇ ડેમ આશરે ૩૨.૫૩ ટકા જેટલો ભરાઈ ગયો છે. વર્તમાન ચોમાસામાં જ ડેમ ૩૧૨.૩૪ ફુટ ભરાઇ જતાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ડેમમાંથી સિંચાઈનો લાભ લેતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. નોંધનિય છે કે, 436 માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે 1000 વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા.



હાલ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. ઉકાઇ ડેમ વિશે અગત્યની જાણકારી: તાપી નદી ઉપર ઉકાઈ જળાશય યોજનાની સ્થાપના તા.૨૯-૦૧-૧૯૭૨ના રોજ રૂ.૧૩૬ કરોડનાં ખર્ચે ડેમના બાંધકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશીને દરિયામાં વહી જતું અટકાવીને આ ઉકાઈ યોજના બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરાયું છે. સિંચાઇ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે.



જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં ૪૬ ટ્કા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ ૭,૪૧૪ મી. ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જીલ્લાની કુલ ૩.૭૯ લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔધોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત ૮૫૦ મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સીસ્ટમ માટે કરવામાં આવે છે. ઉકાઈ બંધની કુલ લંબાઈ ૪,૯૨૬.૮૩ મીટર છે. જે પૈકી ૮૬૮.૮૩ મી. ચણતર બંધ તેમજ ૪,૦૫૮ મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં ૫૧ X ૪૮.૫ ફૂટ માપના કુલ ૨૨ દરવાજાઓ મુકવામાં આવેલ છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (૩૪૫ ફૂટ) ૫૧,૧૪૧ ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application