મનિષા સુર્યવંશી/ વ્યારા : વાલોડ તાલુકાનાં બુહારી ગામે પોલીસ રેડમાં વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂનું વેચાણ કરનાર એક શખ્સ ઝડપાયો, જયારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારે મોડી સાંજે બુહારી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બુહારી ગામનાં જીન ફળિયામાં રહેતા અલ્કેશભાઈ નટુભાઈ ગામીત નાનો પોતાના ઘરે ચોરી છુપીથી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમી વાળી જગ્યા ઉપર જઈ રેડ કરતા એક ઈસમ હાજર મળી આવેલ હતો. જોકે પોલીસે તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ અલ્કેશભાઈ નટુભાઈ ગામીત (રહે. બુહારી ગામ, જીન ફળિયું)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે અલ્કેશભાઈને સાથે રાખી ઘરમાં તથા ઘરની આજુબાજુ તપાસ કરતા જાંજરાનાં પાછળ ભાગે જમીનમાં ખાડો કરી વગર પાસ પરમીટે અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની કુલ 166 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 9,500/- હતી.
જોકે વધુ પૂછપરચ કરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ વાલોડ તાલુકાનાં અંધાત્રી ગામમાં રહેતા યોગેશભાઈ કેશવભાઈ પટેલ નાઓ આપી ગયેલ હતા. બનાવ અંગે પોલીસે અલ્કેશ ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર અંધાત્રી ગામનાં યોગેશ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500