સોનગઢ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવેલ એક કારમાંથી 15 કિલો 170 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે યુવકો અને એક 17 વર્ષીય કિશોરને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે બનાવમાં કુલ 1,51,700/-ની કિંમતનો ગાંજો અને કાર તથા બે મોબાઈલ મળી કુલ રૂપિયા 5,61,700/-નો મુદ્દામાલ કબ્જે કરી સુરતના એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ઉચ્છલ ખાતે સરહદ પર આવેલ બેડકી નાકા ચેકપોસ્ટ પર મંગળવારે નવાપુર તરફથી એક મારૂતિ કાર નંબર GJ/05/CP/3702 આવી હતી. જોકે ચેકિંગ નાકા પર ઉપસ્થિત સ્ટાફ દ્વારા આ કારને ઉભી રાખવા માટે ઇશારો કરવામાં આવતાં કાર ચાલક તેની કાર લઈ સોનગઢ હાઇવે તરફ નાસી ગયો હતો.
તે દરમિયાન સ્ટેટિક સ્કોવડ દ્વારા પોતાનું વાહન લઈ આ કારનો પીછો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ દ્વારા સોનગઢ ખાતે ઉપસ્થિત પોલીસ સ્ટાફને આ કાર રોકવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો પણ કાર ચાલક આરોપીએ પોતાની કાર પૂરઝડપે હંકારી નાસવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ દરમિયાન આરોપી ચાલકે સ્કોવડની કારને ટક્કર મારી હતી અને રિવર્સ લઈ નાસવા જતા એક બાઈકને પણ કચડી નાખી હતી.
જોકે પોલીસે કારને ઘેરી તેમાંથી 3 આરોપીઓને નીચે ઉતારી કારમાં તપાસ કરતાં તેમાંથી પાસ પરમિટ વગરનો 15.170 કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે કાર ચાલક શેહબાજ રઝાક અન્સારી (રહે.સલીમ નગર, માલેગાંવ) અને તેની સાથે બેઠેલ નઇમ અખ્તર મોબિન અહમદ અન્સારી તથા સત્તર વર્ષીય કિશોરને ઝડપી લીધો હતો. જયારે તેમની પૂછપરછમાં આ ગાંજાનો જથ્થો સુરત રહેતાં મોહસીન શેખ ઉર્ફે ભરુએ માલેગાંવથી કારમાં ભરાવી આપ્યો હતો અને કડોદરા પહોંચી સંપર્ક કરવા જણાવ્યું હતું. આમ, પોલીસે 1,51,700/-ની કિંમતનો ગાંજો અને કાર તથા 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5,61,700/-નો જથ્થો કબ્જે કરી મોહસીનને વોન્ટેડ જાહેર કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500