ઉચ્છલ તાલુકાનાં ભડભુંજા ગામે રહેતા યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉચ્છલનાં ભડભુંજા ખાતે રહેતા સુમિતભાઈ છોટુભાઈ ગામીત (ઉ.વ.21) છેલ્લા કેટલાક સમયથી સુરત ખાતે એક મોલમાં નોકરી કરતા હતા અને હાલ તેઓ ભડભુંજા ગામે પોતાના ઘરે આવ્યા હતા.
જોકે સુમિત મંગળવારે સોનગઢ ખાતે આવ્યો હતો અને તેની અગાઉની નોકરીનાં સ્થળે આસપાસનાં લોકોને મળ્યો હતો અને ખબર અંતર પૂછી બાદમાં પરત પોતાના ઘરે પરત ફર્યો હતો. જયારે સુમિત સાંજના સાત વાગ્યાનાં અરસામાં કોઈ ને કશું પણ જાણ કર્યા વિના અચાનક ગુમ થઇ જતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
જયારે ગુમ થયેલ સુમિતની મિત્રો અને પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા તે સમયે ખબર મળી હતી કે, ગામની પ્રાથમિક શાળામાં એક યુવકે ગળે ફાંસો ખાઈ લીધો છે, જેથી પરિવારજનો ત્યાં દોડી ગયા હતા અને તપાસ કરતા સુમિતે કોઈ અગમ્ય કારણોસર શાળાના પ્રથમ મજલે ગેલેરીનાં ભાગે આવેલ પંખા સાથે દોરી બાંધી તેના વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500