Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગરમાં પોલીસને બાતમી આપે છે તેવી શંકા રાખી યુવક પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો

  • June 16, 2024 

જામનગરમાં શાંતિનગરમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થી સહિત ચાર શખ્સોએ ગુપ્તીના ઘા મારી જી.જી. હોસ્પિટલમાં હત્યા નિપજાવી હતી. મુખ્ય આરોપી દારૂનો ધંધો કરતો હોવાથી મરનાર પોલીસને બાતમી આપે છે. તેવી શંકાના આધારે હત્યા નિપજાવી હતી. જામનગર પંથકમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઈ છે, અને કાયદો અને વ્યવસ્થાના પ્રશ્ને સવાલો ઉઠી રહ્યા છે. જામનગરના શાંતિનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર તેના જ મિત્ર એવા દારૂના ધંધાર્થીએ પોલીસમાં બાતમી આપવાની શંકા વહેમ રાખીને સૌપ્રથમ લોખંડના સળિયા વડે હુમલો કર્યા પછી જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુપ્તી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી છે. જે હત્યાના બનાવ અંગે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જેમાં વચ્ચે બચાવવા પડેલો અન્ય એક મિત્ર પણ ઘાયલ થયો છે


સમગ્ર હત્યાકાંડની વિગત એવી છે કે જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ ઝાલા (ઉંમર વર્ષ ૩૨) કે જેના ઉપર સૌપ્રથમ ગત રાત્રિના બાર વાગ્યા ના સમયે શરૂ સેક્શન રોડ પર તેના જ મિત્ર અને દારૂના ધંધાર્થી જયપાલ સિંહ ચુડાસમા અને તેના ૩ સાગરીતોએ દારૂ અંગેની પોલીસમાં અમારી બાતમી કેમ આપે છે, તેમ કહી હુમલો કર્યો હતો. જેથી ધર્મેન્દ્રસિંહ ઝાલા ને માથાના ભાગે ઇજા થઈ હોવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો, અને પાડોશમાજ રહેતો તેનો મિત્ર સુખદેવસિંહ ઉદ્દેશિંહ જાડેજા કે જે સારવાર કરાવવા માટે સાથે આવ્યો હતો. ત્યાં રાત્રિના ૧૨.૪૦ વાગ્યાના અરસામાં જી.જી. હોસ્પિટલમાં ધર્મેન્દ્રસિંહની સારવાર ચાલી રહી હતી.


દરમિયાન હુમલાખોર જયપાલસિંહ ચુડાસમા પોતાના અન્ય ત્રણ સાગરીતો ઊર્મિલ રાઠોડ પ્રણવદેવસિંહ સહદેવસિંહ અને અક્ષયસિંહ પરમાર વગેરેને સાથે લઈને ગુપ્તી જેવા હથિયાર સાથે ધસી આવ્યો હતો, અને ધર્મેન્દ્રસિંહ પર ફરીથી હુમલો કરી દેતાં લોહી લૂહાણ થઈને ઢળી પડયો હતો, અને તેનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ મારામારીના બનાવ સમયે સુખદેવસિંહ જાડેજા છોડાવવા માટે વચ્ચે પડયો હતો, જેમાં તેને પણ ગુપ્તી વડે ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


મોડી રાત્રે આ ઘટનાની જાણ થતાં ક્ષત્રિય સમાજના લોકોના ટોળા જી.જી. હોસ્પિટલના દ્વારે એકઠા થઈ ગયા હતા, જયારે જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમજ સીટીબી ડિવિઝનનો પોલીસ કાફ્લો તાબડતોબ જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યો હતો, અને યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સુખદેવસિંહ જાડેજાની ફરિયાદ લેવામાં આવી હતી, અને જયપાલ સિંહ ચુડાસમા અને તેના અન્ય ત્રણ સાગરીતો સામે પોલીસે ગુનો નોંધ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી પોલીસ દ્વારા તમામ ની શોધખોળ ચલાવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News