સુરતથી એક હચમચાવે એવી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક વિદ્યાર્થી BRTS કોરિડોરમાં રોડ ક્રોસ કરતો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે વિદ્યાર્થીને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે વિદ્યાર્થી હવામાં ફંગોળાયો હતો અને BRTSની રેલિંગ સાથે અથડાયો હતો. આ સમગ્ર ઘટના ત્યાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતો અનિલ ગોધાણી BRTS કોરિડોરમાંથી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી ખાનગી હોસ્પિટલની એક એમ્બ્યુલન્સના ચાલકે અનિલને જોરદાર ટક્કર મારી હતી. એમ્બ્યુલન્સની ટક્કરે અનિલ હવામાં ફંગોળાયો હતો અને પછી બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં અનિલને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ઘટના સ્થળે ભેગું થયું હતું અને ઇજાગ્રસ્ત અનિલને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી પરંતુ, ફરજ પરના ડોક્ટરે અનિલને મૃત જાહેર કર્યો હતો. જો કે, હવે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં બેકાબૂ એમ્બ્યુલન્સ વિદ્યાર્થી અનિલને અડફેટે લેતા દેખાય છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અજાણ્યા એમ્બ્યુલન્સ ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આશાસ્પદ યુવાનને ગુમાવતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500