આગામી તા.૧૫મી, ઓગષ્ટ રોજ બારડોલી તાલુકાના તાજપોર એન્જીનિયરિંગ કોલેજના પટાંગણ ખાતે યોજાનારી સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને અનુલક્ષીને તાલુકા પંચાયત કચેરી, બારડોલીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘીએ બેઠક યોજી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તમામ તૈયારી સમયમર્યાદામાં થાય તેની ખાસ તકેદારી રાખવા તાકીદ કરી હતી.
વધુમાં તેમણે તમામ અધિકારીઓ એકબીજાના પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરવા જણાવ્યું હતું. જિલ્લા કલેકટરે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુપેરે સંપન્ન થાય એ માટે જિલ્લા વહીવટીતંત્રને સાંકળીને ગઠિત કરવામાં આવેલી વિવિધ સમિતિઓ અને તેમની કામગીરી અંગે પણ વિગતે જાણકારી મેળવી હતી. તેમણે સમિતિઓને સોંપવામાં આવેલી કામગીરી ગંભીરતાપૂર્વક કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેમણે કાર્યક્રમના સ્થળે સભામંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, અવિરત વીજ પુરવઠો મળી રહે તેમજ વીજ પુરવઠા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે ખાસ તકેદારી રાખવા સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રગીત વગાડવા માટે પોલીસ બેન્ડ તેમજ રાજયકક્ષાએથી ઉપસ્થિત રહેનાર મંત્રીશ્રીના પ્રવચન માટે યોગ્ય સાઉન્ડ સિસ્ટમ, સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશભક્તિને ઉજાગર કરે એવા જ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થાય તેમજ કાર્યક્રમમાં સહભાગી થનાર નાગરિકો માટે પીવાના પાણીની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે સન્માનિત કરવામાં આવનાર વ્યકિકતઓની યાદી પણ સમયમર્યાદામાં તૈયાર કરવા સૂચના આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500