Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોનું જનસેલાબ ઉમટ્યું, છઠ પૂજાને લઈ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો

  • November 04, 2024 

દિવાળીના તહેવારોમાં સુરત શહેરનાં રેલવે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો છે. ત્યારે હવે દિવાળી બાદ પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. છઠ પૂજાને લઈને માદરે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર 12-12 કલાકથી પરપ્રાંતિયોનું જનસેલાબ ઉમટ્યું છે. ટ્રેનમાં બેસવા માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનો લાગી છે. છઠ પૂજા માટે ઉત્તર ભારત એટલે કે ઉત્તરપ્રદેશ, બિહાર જવા માટે ભારે ભીડ ઉમટી રહી છે. આ રાજ્યોમાં છઠ પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં સુરત, વલસાડ, અંકલેશ્વર, ભરૂચ, બારડોલી, નવસારીથી મુસાફરો આવ્યા છે.


બીજી તરફ, ભારે ભીડને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો પીલેસ હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો તેવી વાત સામે આવી છે. વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર કલાકોથી માનવ મહેરામણ ઉમટી પડયું છે. ટિકિટ બુકિંગને લઈ મુસાફરોની લાંબી લાઈનો લાગી છે અને લોકલ ડબ્બામાં બેસવા માટે પડાપડી થઈ રહી છે. સીટ મેળવવા માટે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસાફરો ગતરાત્રિથી રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા અને સ્ટેશન પર જ રાત વીતાવી હતી. જણાવી દઈએ કે, તહેવારો દરમિયાન દેશના વિવિધ શહેરોમાંથી ઉત્તરપ્રદેશ-બિહાર જનારા લોકોની સંખ્યામાં ખુબ વધારો જોવા મળે છે.


જેમાં સૌથી વધુ મુસાફરો ટ્રેન મારફતે પોતાના વતન જતા હોય છે. જેના પરિણામે પહેલાથી જ ફૂલ ગાડીઓ વધુ ફૂલ થવા લાગે છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાખોની સંખ્યામાં પરપ્રાંતિય મુસાફરો સુરતના રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા છે. જેને લઈને કોઈપણ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરત રેલવે સ્ટેશન પર 100થી વધુ પોલીસ જવાન તૈનાત કરી દેવાયા છે. બીજી તરફ, વધતી ભીડના કારણે શહેરમાં ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. લોકોને ટ્રેનોમાં બેસાડવા સ્થાનિક અને રેલવે પોલીસ કામે લાગી છે.


તો કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ દ્વારા હળવો બળપ્રયોગ પણ કરાયો હતો. જણાવી દઈએ કે, ગયા વર્ષે સુરત રેલવે સ્ટેશન પર ભીડમાં મુસાફરનું મોત નિપજ્યું હતુ ત્યારબાદ આ વર્ષે પોલીસ સતર્ક બની છે. દર વર્ષે દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો દિવાળી અને છઠ પૂજા માટે ઉત્તર પ્રદેશ અને બિહારની મુલાકાત લે છે. આ ભીડને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલવે આ તહેવારની સિઝનમાં વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, ભારતીય રેલવે દ્વારા છઠ અને દિવાળીનાં અવસર પર લગભગ 7300 વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જે ગયા વર્ષે 4500 વિશેષ ટ્રેન હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News