સુરત ઘોડદોડ રોડ પંચોલી સોસાયટી નજીકથી પાલિકાનો ચીફ એકાઉન્ટન્ટ અને પટાવાળો રૂપિયા 2.50 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાય ગયા હતા. ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર મળી ગયા બાદ સિક્યોરીટી ડિપોઝીટ પેટે જમા કરાવેલા રૂપિયા પરત મેળવવા લાંચ મંગાવવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. હાલ બંનેને ACBએ પોતાની કસ્ટડીમાં લઈ તપાસ ચાલુ કરી હતી. ACB એ જણાવ્યું હતું કે, લાંચ લેતા ઝડપાયેલા બે પૈકી તેજસ પ્રકાશચંદ્ર આરીવાલા વર્ગ-2 સુરત મહાનગર પાલિકા મુગલીસરામાં ચીફ એકાઉન્ટ તરીકે અને લાલુભાઇ ભીખુભાઇ પટેલ વર્ગ-4 પટાવાળા સુરત મહાનગર પાલિકામાં કામ કરે છે.
મહાનગર પાલિકા તરફથી ઇલેકટ્રીકને લગતા કામનો વર્ક ઓર્ડર પૂરો કયા બાદ સીક્યુરીટી ડીપોઝીટ પેટે જમા કરાવેલા નાણા પરત મેળવવા અરજી કરાઈ હતી. જેને લઈ ચીફ એકાઉન્ટન્ટ દ્વારા ફરિયાદીને રુબરુ બોલાવી નાણા પરત કરવાના અવેજ પેટે રૂપિયા 2.50 લાખની લાંચ માંગવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, લાંચની રકમ પટાવાળાને આપી દેવા જણાવવામાં આવ્યું હતું. જેને લઈ ફરીયાદીએ ACBનો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચના છટકાનું ગોઠવી પટાવાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી તથા ચીફ એકાઉન્ટટ એ પણ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાત ચીત કરી પટાવાળાને લાંચની રક્મ સ્વીકારવા જણાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપીઓને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. ટ્રેપીંગ અધિકારી કે.જે.ધડુક, પોલીસ ઇન્સપેકટર, સુરત શહેર ACB પોલીસ સ્ટેશન તથા ACB સ્ટાફ અને સુપરવિઝન અધિકારી તરીકે આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, ACB સુરત એકમએ જવાબદારી નિભાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500