અંકલેશ્વરમાં ઘરફોડ અને વાહન ચોરીનાં 10 ગુનામાં સંડોવાયેલાં બે તસ્કરને સુરત એલ.સી.બી.એ ઇન્દોર ખાતેથી ઝડપી પાડયાં બાદ અંકલેશ્વર પોલીસે બંનેનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો છે. જોકે સુરત એલ.સી.બી.નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરત શહેર, ઉમરા, મહિધરપુરા, અડાજણ અને પુણા સહિત 10 જેટલા વાહન ચોરી અને ઘરફોડ ચોરીનાં ગુનામાં સંડોવાયેલા આરોપી મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં ફરી રહયાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે એલ.સી.બી.એ સ્થાનિક પોલીસ સાથે છાપો મારી ઇન્દોરના એરપોર્ટ રોડ પર આવેલી ધર્મરાજ કોલોનીમાં રહેતાં મધ્યપ્રદેશની કૂખ્યાત ઘરફોડ ગેંગનાં મુખ્ય સુત્રધાર જગદીશ ઉર્ફે કૈલાસ જગ્ગા ઉર્ફે શ્યામ ચૌહાણ તેના સાગરિત સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતાં.
જોકે આરોપીઓની પુછપરછ કરતા અંકલેશ્વર શહેર તથા આસપાસનાં વિસ્તારમાં વાહન ચોરીનાં ત્રણ અને ઘરફોડ ચોરીનાં સાત ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરી હતી જેથી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યો છે. જયારે વધુમાં મુખ્ય સુત્રધાર જગદીશ ચૌહાણએ અંકલેશ્વર, ભરૂચ, મધ્યપ્રદેશ અને સુરત, વલસાડ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર સહિત અલગ-અલગ વાહન ચોરી અને ઘરફોડ ચોરીનાં 35 જેટલા ગુનામાં સંડોવાયેલો છે, જયારે સંજય કોલી ભરૂચ-અંકલેશ્વર સહિત 23 ગુનામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500