સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે ઓલપાડ તાલુકાના ઉમરા ગામના સીમ રસ્તા ઉપર ટેમ્પામાંથી રૂપિયા ૬,૨૮,૮૦૦/-ની કિંમતનો ઈંગ્લીશ દારૂ કાર્ટિંગ થાય તે પહેલા જ કબજે કરી છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસ શાખાની ટીમ તારીખ ૦૨ના રોજ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે, કામરેજ તાલુકાના અંત્રોલી ગામે રહેતા બુટલેગરો રઘુ ભરવાડ અને વિનોદ ભરવાડે ઉમરા ગામની સીમમાં મેહુલ ભરવાડના તબેલાની સામે આવેલી રાજનંદીની સોસાયટી તરફ જતા કાચા રસ્તા ઉપર ટેમ્પામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી સગેવગે કરવાની પેરવીમાં છે.
જેથી પોલીસે ત્યાં રેડ કરી ટેમ્પોમાં ખાલી કેરેટની આડમાં ભરેલી વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા ટીન બીયર મળી કુલ ૫,૦૭૬ બાટલી જેની કિંમત રૂપિયા ૬,૨૮,૮૦૦/- મળી આવી હતી. બુટલેગરો ભાગી છુટ્યા હતા. પોલીસે વિદેશી દારૂ સાથે રૂપિયા ૮ લાખની કિંમતનો ટેમ્પો, મળી કુલ રૂપિયા ૧૪,૨૯,૧૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે રઘુ ભકા સભાડ તથા વિવેક ઉર્ફે વિનોદ ભકા સભાડ, ટેમ્પો ચાલક તથા તેની સાથે આવેલા બે અજાણ્યા ઇસમો સહિત દારૂનો જથ્થો મોકલનાર અજાણ્યો શખ્સ મળી કુલ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500