સુરત સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગની કોવિડ ટેસ્ટીંગ લેબમાં ફરજ નિભાવતા ટેકનિશ્યન દિવ્યાબેન પટેલ અને વર્ષાબેન પટેલ કોવિડ-૧૯ની શરૂઆતથી જ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે સેવા આપી રહ્યા છે, જેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા હતાં અને સ્વજનોને ગુમાવ્યાં છે. ફરજને પ્રાધાન્ય આપી સિવિલને જ બીજું ઘર બનાવી ઓવરટાઈમ કરીને પણ ટીમ સાથે કોવિડ ટેસ્ટીંગની ફરજ બજાવી રહ્યાં છે.
મુળ મહેસાણાના વિસનગરના વતની અને સુરત સિવિલમાં આઠ વર્ષથી લેબ ટેકનિશ્યન તરીકે કાર્યરત દિવ્યાબેન રમેશલાલ પટેલ જણાવે છે કે, 'નાનપણથી પરિવારે ભણાવી-ગણાવી મેડિકલ અભ્યાસ કરાવ્યો. પરિવારનો મંત્ર છે કે, 'ખરા સમયે સેવા કરવી એ જ સાચી સેવા.' એટલે આ શબ્દોને શિરોમાન્ય ગણી ફરજ નિભાવું છું. કોરોનાની શરૂઆતથી જ એક પણ રજા લીધા વિના ફરજ નિભાવી છે. કોરોનાકાળમાં હું અને મારા પરિવારના સભ્યો સંક્રમિત થયા હતાં. કોરોનાને હરાવી પુન: ફરજ પર હાજર થઇ હતી.
આ દરમિયાન જેમના માર્ગદર્શનથી આ ક્ષેત્રમાં આગળ વધી હતી, એવા મારા પાલક પિતા(મોટા પપ્પા)નું કોવિડમાં નિધન થયું, આઘાતના સમાચાર સાંભળીને હું ભાંગી પડી હતી. વતન જઈને અંતિમક્રિયા સહિતના ત્રણ દિવસમાં જ હું મારી ફરજ પર હાજર થઇ હતી. કારણ કે મારા પાલક પિતાએ સમજાવ્યું હતું કે, કોવિડના કપરા કાળમાં જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવું એ જ કર્મયોગ છે. તેમના મૃત્યુના ત્રીજા દિવસે ફરજ પર હાજર થઇ એમને શ્રદ્ધાંજલિ આપી હતી. અન્ય એક મહિલા લેબ ટેકનિશ્યન એવા મૂળ વલસાડના ડુંગરી ગામના વતની વર્ષાબેન મોહનભાઇ પટેલ છેલ્લા આઠ વર્ષથી સુરત સિવિલની માઈક્રોબાયોલોજી લેબમાં ફરજ બજાવે છે.
વર્ષાબેન કહે છે કે, 'કોવિડની શરૂઆતથી રજા લીધા વિના સતત ટેસ્ટીંગ કાર્યમાં યોગદાન આપ્યું છે. કારણ કે હાલ સિવિલને અમારી ખાસ જરૂર છે. મારા સિવાય મારો આખો પરિવાર કોરોનાગ્રસ્ત બન્યો અને કોરોનામુક્ત થયા, પરંતુ મારા નંણદનું કોરોનાથી દુઃખદ અવસાન થયું હતું. પરિવાર શોકાતુર હતો. કોરોનાના કેસો સતત વધી રહ્યાં હતાં, અને કામનું ભારણ ખુબ હતું. જેથી ત્રણ દિવસમાં ફરજ પર હાજર થઇને કામ પર જોડાઈ ગઈ હતી. મારા પરિવારે હંમેશા સાથ-સહકાર આપી વિપરીત સ્થિતિમાં પણ કામ કરવાંનો ઉત્સાહ વધાર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500