દિવાળીના તહેવાર સાથે શરૂ થયેલા કારતક મહિનામાં સુરતીઓ વધુ ધાર્મિક બની જાય છે. કારતક મહિનામાં ભરી માતા મંદિર સુરતીઓની આસ્થાનું કેન્દ્ર બની જાય છે અને મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિના લોકો આ મંદિરે કાતરક મહિનામાં માતાજીની આરાધના કરવા પહોંચી જાય છે. આજના આધુનિક યુગમાં પણ ભરી માતાના મંદિરે પાણી ભરેલો માટીનો ઘડો અને સવા રૂપિયો માતાજીને અર્પણ કરવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના મંદિરે પાણી ભરેલો ઘડો લઈ પ્રદક્ષિણા કરી મૂકે છે. પાણીનો ઘડો ભરેલો હોય તેમ પરિવાર કાયમ હર્યો ભર્યો રહે છે તેવી માન્યતા છે તેથી લોકો હજારોની સંખ્યામાં આ જગ્યાએ ઘડો મુકી માતાજીની આરાધના કરે છે.
સુરતના ભરીમાતા વિસ્તારમાં 450 વર્ષ કરતાં પણ પુરાણા એવા ભરીમાતા-પુરી માતાના મંદિરે કાતરક માસમાં સુરતીઓના આસ્થાનું કેન્દ્ર બની જાય છે. આ મંદિરે વર્ષોથી કારતક સુદ બીજ થી કારતક વદ અમાસ સુધી પાણી ભરેલા ઘડા મુકવાની પરંપરા ચાલી આવી છે. જેના કારણે હાલ ચાલી રહેલા કાતરક માસમાં આ મંદિર શ્રધ્ધાળુ સુરતીઓથી ઉભરાઈ રહ્યું છે. આ પરંપરા અંગે મંદિરના પુજારી સ્નેહલ પંડયા કહે છે, આ મંદિરમાં પૂજા કરાવતા અમારી પાંચમી પેઢી ચાલી રહી છે. વર્ષોથી મૂળ સુરતી ગણાતા મોઢ વણિક, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો કારતક મહિનામાં માતાજીના મંદિરે ભરેલો ઘડો મુકી માતાજીની આરાધના કરે છે. લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પુજા કરે છે ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે.
માતાજીના આર્શિવાદ એવા મળે છે કે, જેમ પાણીનો ઘડો જેમ ભરેલો હોય છે તેમ પૂજા કરનારા ભક્ત નો પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે. આ કારતક માસમાં 2500થી વધુ સુરતી પરિવાર માતાજીના મંદિરે પાણી ભરેલા ઘડા અર્પણ કરવા સાથે માતાજીની આરાધના કરવા આવે છે. આ સાથે સાથે માતાજીના મંદિરે સવા રૂપિયાનો ચઢાવો પણ ચઢાવવામાં આવે છે. તે સવા રૂપિયો ભક્તોને પાછો આપવામા આવે છે અને તે પ્રસાદી સ્વરૂપે મળેલા સવા રૂપિયો ભક્તો પોતાની તિજોરીમાં રાખે છે જેના કારણે બરકત રહે છે તેવી માન્યતા છે. આમ સામાન્ય દિવસોમાં ઓછા ભક્તો હોય છે પણ કારતક માસમાં હજારો સુરતી પરિવારો માતાજીના દર્શન માટે આવે છે તે પરંપરા આજે પણ યથાવત જોવા મળે છે.
સમયની સાથે શહેર સાથે ભારત ભરના મંદિરમાં ડિજિટલ દાન સ્વીકારવાનું શરૂ થઈ ગયું છે પરંતુ સુરતના ભરી-પુરી માતા મંદિરમાં આ ડિજિટલ યુગમાં પણ સવા રૂપિયો (એક રુપિયો પચ્ચીસ પૈસા)નું મહત્વ આજે પણ અકબંધ રહ્યું છે. આજના યુગમાં આજે પણ લોકો એક રૂપિયાના સિક્કા સાથે પાવલી (પચ્ચીસ) પૈસાનો સિક્કો લઈને મંદિરે દર્શન કરવા માટે આવે છે. માતાજીના ચરણોમાં સવા રૂપિયો અર્પણ કરે છે. આ સવા રૂપિયો મંદિરના પુજારી ભક્તોને પરત આપે છે અને તેને ભક્તો બરકત ગણીને પોતાની પાસે રાખે છે. સુરતના ભરીમાતા વિસ્તારમાં આવેલા ભરી માતા પુરી માતાના મંદિરમાં બે માતાજીની પ્રતિમા છે તે અંગે માહિતી આપતા વરિષ્ઠ પુજારી જયંતકુમાર પંડ્યા કહે છે, સાડા ચારસો વર્ષ પહેલાં અમારા વડવાઓને સપનું આવ્યું હતું.
તાપી નદીમાં ભરી માતાજીની પ્રતિમા છે તેને વર્ષો પહેલા વડ નીચે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી સપનું આવ્યું અને તેમાં કહેવાયું મારી બહેન પુરી માતા પણ છ. આ બંને માતાની પ્રતિમા લઈને મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારથી આ પ્રકારની પૂજા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા પૂર્વક કરી રહ્યા છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીના કિનારે આવેલા ભરીપુરી માતાજીના મંદિરે હજારો ભક્તો આવે છે. આ મદિરે કોઈને લગ્ન ન થતા હોય કે સંતાન પ્રાપ્તિ ન થતા હોય તેવા લોકો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર સદીઓથી બની રહ્યું છે. જે લોકોના લગ્ન ન થતા હોય તેવા લોકો અહીં માનતા રાખે છે અને તેમની માનતા પુરી થતાં તેઓ માતાજી ના આર્શીવાદ લેવા માટે આવે છે. આવી જ રીતે જે લોકોને સંતાન ન થતા હોય તેવા કપલ અહી સાત રવિવાર ભરવાની માનતા લે છે અને અહીથી તેમને દેશી ગુલાબનો પ્રસાદ આપવામાં આવે છે. લગ્નના વર્ષો બાદ સંતાન ન થતું હતું તેવા એક કપલને હાલ સંતાન થતા તેઓ માતાજીના આર્શીવાદ લેવા માટે આવ્યા હતા. આવા અને કપલ છે તેઓની સંતાનની માનતા પુરી થતી હોવાનું લોકો કહી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application