મોટા વરાછા લજામણી ચોક વિસ્તારમાં રહેતા સિવિલ ઍન્જીનીયરીંગના વિદ્યાર્થી પાસેથી જુની ગાડી લે-વેચનું કામ કરતા તેના મિત્રએ વતનમાં ફેમિલી ફંકશનમાં જવાનું હોવાનું કહી ચારેક દિવસ માટે બ્રેઝા ગાડી લઈ ગયા બાદ પરત આપી ન હતી અને ગાડી માટે વિદ્યાર્થીએ ફોન કરતા ગાડી આપવાની ના પાડી તારાથી થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આરોપીએ આ ઍમઓથી અન્ય મિત્રો પાસેથી પણ ગાડી લઈ છેતરપિંડી કરી હોવાનું કહેવાય છે.
બનાવની વિગત એવી છે કે, મોટા વરાછા લજામણી ચોક મોમાઈ કોમ્પ્લેક્ષમાં રહેતા હર્ષકુમાર શાંતિભાઈ ડોબરીયા (ઉ.વ.૨૦) ધારૂકા કોલેજ સરસ્વતી આત્માનંદ કોલેજમાં સિવિલ ઍન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હર્ષકુમારની એક વર્ષ પહેલા જુની ગાડી લે-વેચનું કામકાજ કરતા રમેશ વલ્લભ નાવડિયા (રહે.સુર્યકિરણ સોસાયટી ચીકુવાડી,કાપોદ્રા) સાથે મિત્રતા થઈ હતી અને તેઓ બધા મિત્રો અવાર નવાર મોટા વરાછા તાપી આર્કેડ ખાતે બેસતા હતા.
દરમિયાન ગત ૧લી ફેબ્રુ્આરીના રોજ હર્ષકુમાર તેની બ્રેઝા ગાડી લઈને બેસવા માટે ગયો હતો. તે વખતે રમેશ નાવડીયાઍ તેના ફેમિલી ફંકસન માટે તાત્કાલિક ગામડે જવાનું છે કહી બે ચાર દિવસ માટે તેની ગાડી લઈ ગયો હતો. પાંચ દિવસ બાદ ગાડી માટે હર્ષકુમારે ફોન કરતા રમેશે ગામડેથી આવીને આપી જવાનુ કહ્યું હતુ. જોકે, ત્યારબાદ પણ ગાડી આપી ન જતા ૨૮મીના રોજ ફરીથી ગાડી માટે ફોન કરતા રમેશે ગાડી આપવાની ના પાડી દીધી હતી અને તારા થી થાય તે કરી લેવાની ધમકી આપી બીજીવાર ફોન ન કરવાનુ કહી ફોન બંધ કરી દીધો હતો.
હર્ષકુમારને તેની સાથે રમેશે ઠગાઈ કરી હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં અરજી કરી હતી પરંતુ જેતે વખતે રમેશે તેના મિત્ર મારફતે ગાડી પરત આપવાની બાહેધરી કરાર લખી આપ્યો હતો.દરમયાન ગત તા.૨૩ મે ના રોજ હર્ષકુમાર તેના મિત્ર સાથે સરથાણા પોલીસ સ્ટેશનમાં ગયો હતો ત્યારે રમેશ ત્યાં મળી આવતા ઍક બે દિવસમાં ગાડી આપવાનુ કહ્યુ હતું પરંતુ ગાડી પરત આપી ન હતી. આ પ્રકારે રમેશે અન્ય લોકો પાસેથી પણ ગાડી લઈને છેતરપિંડી કરી હોવાની ખબર પડતી હતી.બનાવ અંગે પોલીસે હર્ષકુમારની ફરિયાદ લઈ રમેશ નાવડિયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500