સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ઉમરગોટ ગામની સીમમાં ચવડાથી માલ્ધા ફાતા તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહેલ સુમુલ ડેરીનું ટેન્કર પલ્ટી જતાં ટેન્કરના ક્લીનરને ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુમુલ ડેરી સુરતથી એક ટેન્કર નંબર જીજે/05/બીએક્સ/9573નો ચાલક ક્રુષ્ણદેવ રામકરણ શુક્લા (મૂળ રહે.મધ્યપ્રદેશ) તથા ક્લીનર સંદીપભાઈ જીવનલાલ આદિવાસી નાઓ સુરત જિલ્લાના માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં દૂધ લેવા નીકળ્યા હતા અને વહેલી સવારે દૂધનો જથ્થો લઈ ઉમરપાડા તાલુકાનાં ઉમરગોટ ગામની સીમમાં ચવડાથી માલ્ધા ફાતા તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.
તે સમયે ટેન્કરનો ચાલક ક્રુષ્ણદેવે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટેન્કર રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે અથડાયા બાદ પલ્ટી ગયું હતું. સર્જાયેલા અકસ્માતમાં ટેન્કરની અંદર બેઠેલ ક્લીનર સંદીપભાઈ આદિવાસીને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે ઉમરપાડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500