Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણમાં સગીર વયના પુત્રનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી

  • April 24, 2025 

સુરત જિલ્લાનાં સાયણ ટાઉનમાં રહેતા ઉત્તરપ્રદેશ રાજ્યનાં અયોધ્યા જિલ્લાના શ્રમિક પરિવારના સગીર વયના પુત્રનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાની આશંકા સાથે તેના પિતાએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, માયારામ સત્યનારાયણ પાલ હાલમાં સાયણ સુગર રોડ ઉપર આવેલી મારુતિ રેસિડેન્સીના મકાન નં.૩૮માં પરિવાર સાથે રહે છે. તે સાયણ ખાતેની રીવા ટેક્સ્ટાઈલમાં નોકરી કરે છે. માયારામના પ્રથમ લગ્ન સને ૨૦૦૭માં જાનકીદેવી સાથે થયા હતા. તેણીએ વિકાસ નામના પુત્રને જન્મ આપ્યો હતો. જેની ઉંમર હાલ ૧૩ વર્ષની છે. ત્યારબાદ જાનકીદેવીનાં છૂડાછેટા થયા હતા.


વિકાસ માયારામ સાથે રહી સિવાણ રોડ પર આવેલી ગુરુકૃપા વિદ્યાસંકુલના ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. જ્યારે માયારામે પછીથી પૂનમ નામની સ્ત્રી સાથે બીજા લગ્ન કર્યા હતાં. વિકાસના સ્કૂલ રિપોર્ટ મામલે ગત તારીખ ૧૬મી એપ્રિલના રોજ સ્કૂલના ટીચરે તેની સાવકી માતા પૂનમના મોબાઈલ ઉપર ફોનથી ફરિયાદ કરી હતી કે, તમારા વિકાસને આ સ્કૂલમાં અગાઉ ભણતી વર્ષા નામની કોઈ છોકરી સાથે સારી મિત્રતા છે. જેથી આ બાબતે પિતાએ રાત્રે વિકાસને ઠપકો આપ્યો હતો. વિકાસ બીજા દિવસે તારીખ ૧૮ના રોજસવારે સ્કૂલબેગ, એક જોડી કપડાં અને રોકડા રૂ.૧૦૦૦ લઈને સ્કૂલમાં અભ્યાસ અર્થે ગયા પછી બપોરે ઘરે પરત ફર્યો ન હતો.


જેથી પરિવારે સ્કૂલમાં વિકાસની પૂછપરછ કરતાં ખબર પડી કે આજે તો સ્કૂલમાં ગુડ ફ્રાઈડેની રજા છે. પરિવારે વિકાસની શોધખોળ કરવા છતાં તે મળ્યો ન હતો. વિકાસનું કોઈ અજાણ્યા ઈસમે અપહરણ કર્યું હોવાની આશંકા સાથે પિતા માયારામ પાલે ગત મંગળવાર તારીખ ૨૨ના રોજ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વિકાસ તેની સગી માતા જાનકીદેવી પાસે ગયો છે કે પછી મિત્ર વર્ષા સાથે ભાગી ગયો છે કે તેનું અપહરણ થયું છે? તે દિશામાં વધુ તપાસ પીએસઆઈ દિનેશ ભૂરા દેસાઈએ શરૂ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application