અયોધ્યા ખાતે નિર્માણધીન શ્રી રામમંદિર માટે શ્રીરામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિધિસંગ્રહ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ ટ્રસ્ટના નામે લોકો પાસેથી પૈસા ઉઘરાવતો ફ્રુટની લારીવાળો ઝડપાયો છે, ટ્રસ્ટના નામની બોગસ રસીદબૂક બનાવી હતી અને ઉત્તરાયણના રોજ દાનનું ખુબજ મહત્વ હોવાથી કાપોદ્રા ચાર રસ્તા ચીકુવાડી પાસે જાહેર રોડ ઉપર ટ્રસ્ટના નામનું મોટુ બેનર બનાવી ટ્રસ્ટના નામથી મંદિરમાં ફંડના નામે અનેક લોકો પાસેથી પૈસા ઉઘરાવી બોગસ રસીદો આપતો હતો. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીનું ધ્યાન જતા તેને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો.
આ બનાવ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા જકાતનાકા લક્ષ્મીનગર ખાતે રહેતા અને વેપાર ધંધા સાથે સંકળાયેલા કમલેશભાઈ છગનભાઈ કયાડા(ઉ.વ.45) વિશ્વ હિન્દુ પરિષદમાં મંત્રી તરીકે હોદ્દો ધરાવે છે. કમલેશભાઈએ અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડે(ઉ.વ.૩૦, રહે.કાપોદ્રા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમા જણાવ્યું હતું કે ફ્રુટની લારી ચલાવતો અમિત ઉર્ફે રાહુલ પાંડે અયોધ્યા ખાતે નિર્માણધીન શ્રી રામમંદિર માટે નિધિસંગ્રહ કરતા શ્રી રામ જન્મભુમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના નામની બોગસ રસીદો બનાવી હતી અને ઉત્તરાયણ નિમિત્તે દાન કરવાનું ખુબજ મહત્તવ હોવાથી કાપોદ્રા ચાર રસ્તા ચીકુવાડી પાસે જાહેર રોડ ઉપર ટ્રસ્ટના નામનું મોટુ બેનર મારી ખુરશી ટેબલ મુકી લોકો પાસે મંદિરમાં ફંડના નામે પૈસા ઉઘરાવી ટ્રસ્ટના નામની બોગસ રસીદો આપતો હતો. આરએસએસ સંગઠિત આ ટ્રસ્ટ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હજુ આવી કોઈ રસીદબુક છપાવી નથી અને તેમના સંગઠન દ્વારા 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન ફંડ ઉઘરાવાનુ શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને હજુ રસીદબુક પણ આવી નથી. જેથી કમલેશને તેના ઉપર શંકા જતા તપાસ કરતા અમિત પાસેથી ટ્રસ્ટના નામની રૂપિયા 10,100 અને 1000ની બોગસ રસીદબુક મળી આવી હતી.
આ અંગે કમલેશભાઈ આરએસએસ અને તેમના સંગઠનો ને જાણ કર્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કમલેશભાઈની ફરિયાદ લઈ અમિત ઉર્ફે રાહુલ પાંડે સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી બોગસ રસીદબુક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500