કડોદરા ખાતે સી.એન.જી. કટ પાસેથી પોલીસે એક રિક્ષામાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક કિશોર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. જોકે આ વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણા આવ્યા બાદ રિક્ષા ભાડે કરી આ જથ્થો સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. જેથી પોલીસે બાતમીનાં આધારે વિદેશી દારૂ તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા ૪૭,૩૦૩/-ના મુદ્દામાલ સાથે મહિલા અને કિશોર સહિત ચાર લોકોને ઝડપી પાડ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટાફનાં માણસો બંદોબસ્તમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક રિક્ષામાં મહિલા તેમજ બે પુરુષો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં જનાર છે. જે બાતમીનાં આધારે કડોદરા પોલીસ સ્ટાફના માણસોએ સી.એન.જી. કટ નજીક વોચ ગોઠવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની રિક્ષા નંબર જીજે/૦૫/એક્સએક્સ/૪૩૧૦ આવતા જોઈ તેને અટકાવી હતી અને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂના ૪૭૯ પાઉચ કિંમત રૂપિયા ૨૭,૩૦૩/-નો જથ્થો મળી આવ્યો હતો. આ વિદેશી દારૂનાં જથ્થા સાથે એક કિશોર તેમજ એક મહિલા ઊર્મિલાદેવી શ્યામધર સરોજ (રહે.ગોકુલધામ,લેકસિટી, સાંકીગામ,પલસાણા), રાહુલભાઈ રાજમણી યાદવ (રહે.ગોકુલધામ લેકસિટી,સાંકીગામ,પલસાણા) તથા ગિરધારી ગરીબા ધીરસિંગ જાદવ (રહે.જલારામ નગર,ચલથાણ) નાને ઝડપી પાડ્યા હતા.
આમ, પોલીસ પૂછપરછ દરમિયાન આ વિદેશી દારૂનો જથ્થો વાપીથી ભરી ટ્રકમાં બેસી પલસાણા સુધી લાવ્યા હતા અને ત્યાંથી રિક્ષા ભાડે કરી સુરત શહેરમાં લઈ જઈ રહ્યા હતા. આ વિદેશી દારૂનો જથ્થો સોનું (રહે.સ્વસ્તિક બિલ્ડીંગ,બલેઠા,વાપી) નાને ભરાવ્યો હતો તેમજ વિદેશી દારૂ મંગાવનાર સુરત શહેરના ગોલવાડ ખાતે રહેતા મુકેશને કડોદરા પોલીસે વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500