તેર વર્ષ પહેલાં મારૂતિ ઝેન તથા ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૃત્તક યુવાનના વારસોએ કરેલી 13.07 લાખની અકસ્માત વળતરની માંગને મોટર એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજએ મંજુર કરી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત કુલ રૂપિયા 17.99 લાખ ચુકવવા ટ્રકચાલક, માલિક તથા વીમા કંપનીને હુકમ કર્યો છે. જ્યારે કાર ચાલક, માલિક તથા વીમા કંપનીને અકસ્માત વળતર ચુકવવાની જવાબદારીમાંથી બાકાત રાખવા નિર્દેશ આપ્યો છે. મૂળ ભાવનગર ગારીયાધારનાં વતની 35 વર્ષીય સંજય પાંચાભાઈ વીરડીયા (રહે.જનતા એપાર્ટમેન્ટ, વરાછારોડ) ગત તા.6-6-2010નાં રોજ પોતાના મિત્ર નિલેશભાઈ માવજીભાઈ લાખાણીની માલિકીની મારૂતિઝેન કારના ચાલક સંજય પોપટભાઈ સવાણી (રહે.સજાવટ પેલેસ,એલ.એચ.રોડ) સાથે સુરતથી પોતાના વતન ગારીયાધાર જતાં હતા.
તે દરમિયાન નેશનલ હાઈવે પર કોઈપણ જાતના સિગ્નલ,રિફલેકટર્સ કે આડસ રાખ્યા વિના વશરામભાઈ અરજણભાઈ ડાંગર (રહે.કારદેજ વરતેજ જી.ભાવનગર)ની માલિકીના ટ્રકના ચાલક કુવરસિંગ જામસિંહભાઈ ચુડાસમા (રહે.સાંઢડીયા, તા.ધંધુકા જિ. ભાવનગર)નાંએ ટ્રક પાર્ક કર્યો હતો. જેના કારણે કાર ચાલક સંજય સવાણીએ હાઈ વે પર સિગ્નલ વગર પાર્ક કરેલી ટ્રકના પાછળના ભાગેથી કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાથી સંજય વીરડીયાનું નિધન થયું હતુ.
જેથી મૃત્તકના વારસો પિતા પાંચાભાઈ માતા સમજુબેન તથા ભાઈ સુરેશભાઈ વીરડીયાએ ટ્રક ચાલક, માલિક, તથા આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યુરન્સ કંપની તથા કાર ચાલક, માલિક પાસેથી 13.07 લાખનું વળતર વસુલ અપાવવા માંગ કરી હતી. જેની સુનાવણી દરમિયાન મૃત્તકના વારસો તરફે જણાવ્યું હતું કે, અકસ્માત સમયે મૃત્તકની વય 35 વર્ષની હતી. જ્યારે એમ્બ્રોડરી મશીન પર કામ કરીને વાર્ષિક 1.48 લાખ આવક ધરાવતા હતા. જેને ટ્રીબ્યુનલ જજે માન્ય રાખી મૃત્તકના વારસોને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત 17.99 લાખ વળતર પેટે ચુકવવા ટ્રક ચાલક, માલિક અને વીમા કંપનીને હુકમ કર્યો હતો. જ્યારે ટ્રીબ્યુનલ કોર્ટે કાર ચાલક, માલિક અને વીમા કંપનીને અકસ્માત વળતર ચુકવવામાંથી બાકાત રાખવા નિર્દેશ આપ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500