સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડન્સીમાં રહેતી પરિણીતા બીજા માળેથી કૂદી પડતાં મોત નીપજયું હતું. જોકે યુવતીના પિતાએ જણાવ્યુ હતું કે, તેનો જમાઈ અવાર નવાર દહેજની માંગણી કરી યુવતી સાથે મારઝૂડ કરતો હતો અને તેણે જ દીકરીને બીજા માળેથી ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં જોળવા ગામે આવેલ સિદ્ધેશ્વર રેસિડન્સીમાં રહેતા અને મૂળ યુપીના વતની રાજકુમાર બેચનલાલ તિવારીની 26 વર્ષીય દીકરી પ્રીતિબેનના લગ્ન અનુરાગ ક્રિષ્નાકુમાર પાંડે (હાલ રહે.સિદ્ધેશ્વર રેસિડન્સી, જોળવા, મૂળ રહે, અતરૌરા, જિ.પ્રયાગરાજ, યુપી) નાઓ સાથે ગત તા.12-05-2019ના રોજ થયા હતા.
જયારે અનુરાગ કડોદરા ચાર રસ્તા ખાતે આવેલ એન.જે.ટેક્ષટાઈલ્સમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. લગ્નના પંદરેક દિવસ બાદથી જમાઈ અનુરાગ પ્રીતિબેન પાસે દહેજના રૂપિયાની માંગણી કરી મારઝૂડ કરતો હતો અને પ્રીતિના ઘરેણાં પણ લઈ લીધા હતા અને ગત તા.26 એપ્રિલના રોજ રાત્રિના સમયે રાજકુમાર બિલ્ડીંગના ધાબા ઉપર સુવા ગયા હતા. ત્યારે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ અનુરાગ ધાબા ઉપર આવ્યો હતો અને રાજકુમારને જણાવ્યુ હતું કે, પ્રીતિ આપણી બિલ્ડીંગમાંથી કૂદી ગયેલ છે.
જેથી તે નીચે પહોંચી જોતાં પ્રીતિ બિલ્ડીંગના ભાગે પડેલ હતી જેથી તેને સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં ફરજ ઉપર હાજર ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પ્રીતિના પિતાએ શંકા વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે, જમાઈએ અવારનવાર દહેજની માંગણી કરી અને જે રકમ ન ચૂકવી શકતા અનુરાગે પ્રીતિને બિલ્ડીંગના બીજા માળેથી ધક્કો મારી નીચે ફેંકી દઈ હત્યા કરી હોવા અંગે શંકા વ્યક્ત કરી છે. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500