સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું હતું. કન્ટેનરમાં મશીનરીની આડમાં વિદેશ દારૂનો જથ્થો સંતાડી લઈ જવામાં આવી રહ્યો હતો. એલસીબી પોલીસે 8.14 લાખના વિદેશી દારૂ સાથે કિશોર સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસે બગુમરા ગામની સીમમાં આવેલ એક હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે, બગુમરા ગામની સીમમાં કડોદરા-બારડોલી હાઇવે ઉપર આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ કન્ટેનર નંબર આરજે/14/જીઈ/3417 માંથી પોલીસને વિદેશી દારૂની નાની-મોટી 9696 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,14,464/- તેમજ કન્ટેનર કિંમત રૂપિયા 10 લાખ અને મોબાઈલ ફોન તથા મશીનરીના સ્પેરપાર્ટસ કિંમત રૂપિયા 11.56 લાખ જે કુલ મળી રૂપિયા 29.74 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કન્ટેનરમાં સ્પેરપાર્ટસની આડમાં આ વિદેશી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક કિશોર સહિત ચાલુસીંગ ખૂમસીંગ રાવત (રહે.આમનેર,ભેરુખેડા,રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500