સુરતના ઈચ્છાપોર ગામ એકઝીકયુટીવ હોટલની પાછળ કેનાલ રોડ સ્થિત ડાયમંડનગર સોસાયટીના એક બંગલામાં રેઈડ કરી ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપી પાડી હતી. પીસીબીએ બે રાજસ્થાની યુવકોને ઝડપી પાડી દારૂની ખાલી અને ભરેલી બોટલો, બુચ, સ્ટીકર, કેરબા, કેમિકલ, એસેન્સ, બુચ મારવાનું પ્રેસ મશીન, મોબાઈલ ફોન અને કાર કબ્જે કરી બંનેની પુછપરછના આધારે અઠવાગેટ સ્થિત પેરેડાઈઝ એપાર્ટમેન્ટની એક દુકાનમાં રેઇડ કરી 1050 લીટર કેમિકલ અને બુચ પણ કબ્જે કરી રૂપિયા 9.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મળેલી બાતમીના આધારે પી.આઈ., તથા તેમની ટીમે ઈચ્છાપોર ગામ એકઝીકયુટીવ હોટલની પાછળ કેનાલ રોડ સ્થિત ડાયમંડનગર સોસાયટીના બંગલા નં.63માં રેઈડ કરી હતી. પીસીબીએ ત્યાંથી જમીન દલાલ કલ્પેશભાઈ રામચંદ્રભાઈ સામરીયા (ઉ.વ.42., રહે.ઘર નં.બી-26, સરીતા દર્શન સોસાયટી, મેરીયટ હોટલ પાસે, પાર્લે પોઈન્ટની નજીક, ઉમરા, સુરત) અને ડ્રાઈવીંગનું કામ કરતા દુર્ગાશંકર ઉદયલાલ ખટીક (ઉ.વ.34., રહે.ઘર નં.191, રવિનગર, કૈલાસનગર ચોકડી પાસે, પાંડેસરા, સુરત) (બંને મૂળ રહે.જલોદા, તા.છોટી સાદડી, જી.પ્રતાપગઢ, રાજસ્થાન)ને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલમાં કેમિકલયુક્ત દારૂ ભરતા રંગેહાથ ઝડપી લીધા હતા.
પીસીબીએ બંગલામાંથી દારૂની ખાલી અને ભરેલી બોટલો, બુચ, સ્ટીકર, કેરબા, કેમિકલ, એસેન્સ, બુચ મારવાનું પ્રેસ મશીન, મોબાઈલ ફોન અને કાર કબ્જે કરી બંનેની પુછપરછના આધારે અઠવાગેટ સ્થિત પેરેડાઈઝ એપાર્ટમેન્ટની દુકાન નં.8માં રેઇડ કરી 1050 લીટર કેમિકલ અને બુચ પણ કબ્જે કરી કુલ રૂપિયા 9.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પીસીબીએ આ અંગે ગુનો નોંધી કલ્પેશ સામરીયા અને દુર્ગાશંકર ખટીકની ધરપકડ કરી રાજસ્થાનથી દારૂ બનાવવા આલ્કોહોલ મોકલનાર પ્રહલાદ માલી, ડુપ્લીકેટ દારૂના સ્ટીકર મોકલનાર ઉદયપુરના પપ્પુ લાલજી તેમજ સુરતમાં ડુપ્લીકેટ દારૂ ખરીદતા પાંડેસરાના ભરત અને કતારગામ પ્રાણનાથ હોસ્પિટલની પાછળના પિયુષ ડાભીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500