સુરતનાં કામરેજ તાલુકાનાં કોળીભરથાણા ગામે રોડ પરનાં ઝાડ સાથે ઇંટ ભરેલો ટેમ્પો અથડાયા બાદ પલ્ટી મારી જતા એક મજૂરનું મોત અને ટેમ્પોમાં સવાર 3 મજુરોને કામરેજની સદ્દભાવના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જયારે મજુરોને ફાયર બ્રિગેડ અને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજથી બારડોલી જતાં રોડ પર કોળીભરથાણા ગામની સીમમાં 7મી મેના રોજ સવારે સાડા પાંચેક વાગે કામરેજનાં અંત્રોલી ગામથી કાળી ઇંટ ભરેલો એક ટાટા ટેમ્પો નંબર GJ/05/BX/2153 બારડોલી તરફ જઇ રહ્યો હતો.
તે સમયે ટેમ્પોનાં ચાલક કડસિયા વાલાભાઇ કટારાએ (રહે.અંત્રોલી ગામ, કામરેજ) ટેમ્પો પરનો કાબૂ ગુમાવી રોડની બાજુનાં ઝાડ સાથે ધડાકાભેર ટેમ્પો અથડાવતાં રોડની બાજુની ગટરમાં પલ્ટી મારી ગયો હતો જેમા ટેમ્પોમાં બેઠેલા ચાર મજૂરો વિનોદભાઇ નરસિંહ, ગોવાભાઇ રમેશભાઇ, પરેશભાઇ મગનભાઇ નાઓ દબાઇ ગયા હતાં.
જ્યારે ભાનુભાઇ વાલાભાઇ કેબીનમાં દબાઇ ગયેલો હોય જેને કાઢવા માટે ફાયરની બ્રિગેડની ટીમ અને જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. ચારેય મજૂરોને બહાર કાઢ્યા બાદ108ની મદદથી કામરેજની સદભાવના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં ભાનુભાઇ વાલાભાઇને મરણ જાહેર કરવામાં આવ્યો હતો. જયારે બાકીનાં ત્રણની સારવાર ચાલુ આપવામાં આવી હતી. જોકે વધુમાં ટેમ્પો પર લખેલા ટેમ્પો માલિકનાં ફોન નંબરથી કોઇ રાહદારીએ ફોન કરી અકસ્માતની જાણ કરી હતી જેથી ટેમ્પોનાં માલિક કેતનભાઇ રવજીભાઇ વેકરિયા (રહે.શુભવીલા રો-હાઉસ, ઉમરાગામ, સુરત)નાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500