સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાના કડોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં કાર્ટિંગ થઈ રહેલા 24.45 લાખ રૂપિયાના વિદેશી દારૂ ભરેલી ટ્રક અને પાંચ કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં કડોદરા પીઆઇ એ.પી.બ્રહ્મભટ્ટને રાજ્ય પોલીસ વડાએ સસપેન્ડ કરવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લામાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે સમયે મળેલ બાતમીના આધારે, સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ, (રહે વાંકાનેડા ગામ) મહારાષ્ટ્રના નવાપુર ખાતે રહેતા વિશ્વાસ ભીમરાવ ગડરી અને તેનો ભાઈ ગોરખ રૂફે પિન્ટુ ભીમરાવ ગડરી પાસેથી ગેરકાયદેસર રીતે મોટા જથ્થામાં દારૂનો જથ્થો ટ્રકમાં ભરી કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અંત્રોલી ગામની સીમમાં દારૂનું કાર્ટિંગ કરી રહ્યો છે.
જયારે આ દારૂનો જથ્થો કેયૂર રોહિત ભંડારી(રહે.બારડોલી), બદરી જાટ ઉર્ફ બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો કાંતિલાલ પટેલ(રહે.ચલથાણ), મનીષ મારવાડી(રહે.જોળવા)નાઓને મોટા પ્રમાણમાં ગેરકાયદે જથ્થો વેચાણ માટે પૂરો પાડી દારૂની હેરફેરી જુદા-જુદા વાહનોમાં કરવામાં આવી રહી છે.
આ બાતમીના આધારે પોલીસે કાર્ટિંગ વાળી જગ્યાએ છાપો મારતા દારૂ લેવા માટે આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને એક ઇનોવા કારનો ચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો તેમજ કેટલાક શખ્સો તેમના વાહનો સ્થળ પર જ મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
ત્યારબાદ પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક સંતોષ રઘુનાથ પિરા પવાર(રહે નવું ફળિયું,વિસરવાડી, જિ. નંદુરબાર,મહારાષ્ટ્ર)નાને પકડી લીધો હતો અને તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે છેલ્લા બે મહિનાથી નવાપુરના પિન્ટુ ભીમરાવ ગડરી તથા તેના ભાઈ વિશ્વાસ ભીમરાવ ગડરીના દારૂના ધંધામાં ડ્રાઇવરની નોકરી કરે છે અને તેને ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક લઈને આવતો હતો.
આમ, પોલીસે સ્થળ પરથી 17961 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જેની કીંમત રૂપિયા 24 લાખ, 45,360/- રોકડ રૂપિયા, એક ટ્રક, તેમજ 5 કાર તથા 3 નંગ મોબાઇલ ફોન, તાડપત્રી અને રસ્સી આમ કુલ મળી રૂપિયા 63 લાખ 4 હજાર 560 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે આ ગુનામાં દારૂનો જથ્થો પૂરો પાડનાર વિશ્વાસ ભીમરાવ ગડરી તેનો ભાઈ ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગડરી, જથ્થો મંગાવનાર સોહન ઉર્ફે સન્ની કિશોર પટેલ, સોહન પાસેથી દારૂ લેવા આવનાર કેયૂર ભંડારી, બદરી જાટ ઉર્ફે બદરી મારવાડી, સંજય ઉર્ફે ગપો પટેલ, મનીષ મારવાડી, સુરેશ સહિત 14 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500