સુરતના સિંગણપોર પોલીસ મથકની મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. જેમાં સાથી પોલીસ કર્મચારી અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમસંબંધ ચાલી આવ્યો હતો અને છેલ્લા દસ દિવસથી બંને સંપર્ક વિહોણા બનતા હતાશામાં આવી તેણીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસના જણાવ્યાનુસાર પોલીસ જવાનનું દોઢ માસ અગાઉ અકસ્માત થતાં પોતાના વતન ડાંગ ચાલ્યો ગયો હતો. જ્યાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી બંને સંપર્ક વિહોણા બન્યા હતા અને તે દરમ્યાન તેણીએ અંતિમ પગલું ભર્યું હતું. સુરતના સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીએ ગત 18મી માર્ચના રોજ મોડી સાંજે સીંગણપોર ખાતે આવેલ મહેશ્વરી એપાર્ટમેન્ટના પોતાના જ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલાં તેણીએ સુસાઇડ નોટ લખી હતી.જે સુસાઇડ નોટમાં માત્ર"મેં વિશ્વાસ કરીને મોટી ભૂલ કરી"તે પ્રકારનું લખાણ લખ્યું હતી.જે સુસાઇડ નોટના આધારે સીંગણપોર પોલીસે અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
સિંગણપોર પોલીસ દ્વારા મૃતક મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષા ચૌધરીની રૂમમેટ જીગીસાબેન ગામીતની પુછપરછ કરી હતી.જે પુછપરછમાં હર્ષા ચૌધરીનો અગાઉ સીંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરત સાયબર ક્રાઈમ શેલમાં કાર્યરત પ્રશાંત ભોંયે જોડે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું.જે હકીકત સામે આવતા સિંગણપોર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ શેલમાં ફરજ બજાવતા પ્રશાંત ભોંયેની ઊંડાણપૂર્વકની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સીંગણપોર પોલીસ મથકની પુછપરછ માં પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંયે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,પોતે અને હર્ષા છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ-સંબંધમાં હતા.દોઢ માસ અગાઉ બાઈક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયું હતું. જેના કારણે પોતે છેલ્લા દોઢ માસથી પોતાના વતન ડાંગ ખાતે ગયો હતો. પરંતુ ડાંગમાં મોબાઇલ નેટવર્ક ન આવવાના કારણે હર્ષા અને પોતે સંપર્ક વિહોણા બન્યા હતા. લગ્ન ઝડપથી થઈ જાય તે માટે અગાઉ હર્ષા ને ઉતાવળ કરી હતી. પરંતુ અન્ય જોડે લગ્ન કરી લઈશ તેવી ચિંતા હર્ષા ને સતાવી રહી હતી.પોલીસ સમક્ષ આપેલ નિવેદનને લઈ સિંગણપોર પોલીસ દ્વારા પ્રશાંત ભોંયેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500