Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત સહિત રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોત નિપજવાની ઘટનાઓમાં સતત વધારો

  • March 27, 2024 

સુરત સહિત રાજ્યમાં હાર્ટ અટેકના કારણે મોત નિપજવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરતમાં મહિલા સહિત બે લોકોના શંકાસ્પદ હાર્ટ અટેકના કારણે મોત થયા છે. તો રાજકોટમાં ધૂળેટીના પર્વ પર એક 22 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે. આમ, છેલ્લાં 24 કલાકમાં ત્રણ લોકોના ધબકારા બંધ થયા છે. ગુજરાતમા હાર્ટ એટેકથી ઢળી પડવાની ઘટના હજી યથાવત છે.  


સુરત નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહારાષ્ટ્રના આકોટા ગામે રહેતી 42 વર્ષીય રત્નમાલા સંતોષભાઈ ખાંડેરામ સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી પોતાના બહેન કલ્પના રામદાસ અવજારને ત્યાં આવી હતી. બહેનની દીકરીની સગાઈ હોઈ રત્નમાલા પ્રસંગમાં આવી હતી. જે દરમ્યાન મળસ્કેના પાંચ વાગ્યે સુતેલી રત્નમાલાને અચાનક છાતીમાં બળતરા થવાની સાથે દુઃખાવો ઉપડ્યો હતો. જે બાદ પરિવારજનો તાત્કાલિક સૌ પ્રથમ નજીકની ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ આવતા ફરજ પરના હાજર તબીબોએ રત્નમાલાને મૃત જાહેર કરી હતી. જ્યાં બહેનની દીકરીની સગાઈ પહેલાં જ રત્નમાલાના મોતને લઈ પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાને લઈ ડીંડોલી પોલીસે લાશને પીએમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી. મહિલાના મોતનું સાચું કારણ જાણવા પોલીસે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ ની પ્રક્રિયા હાથ ધરી છે.


બીજી તરફ ડુમસ વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યુવકનું પણ શંકાસ્પદ હાર્ટ અટેકના કારણે મોત નિપજ્યું છે. ડુમસ સ્થિત ગવીયર ખાતે રહેતા 35 વર્ષીય સાહિલ પટેલ ગત રોજ રાત્રિના સમય દરમ્યાન અચાનક પોતાના ઘરમાં જ ઢળી પડ્યો હતો. જે બાદ પરિવારજનો તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન સાહિલ પટેલનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ડુમસ પોલીસે મોતનું સાચું કારણ જાણવા પીએમ અર્થે મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.  આમ,સુરતમાં બે અલગ અલગ બનાવોમાં શંકાસ્પદ હાર્ટ અટેકના કારણે મહિલા સહિત બે લોકોના મોત થયા છે. જે બંનેના મોતનું સાચું કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક તારણમાં હાર્ટ અટેકના કારણે મોત થયાની આશંકા છે. જ્યાં પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે.  રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો હતો. ૨૨ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપાડતા મૃત્યુ થયું છે. મૃતક કશ્યપ ખીરા એમ.બી.એ.માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે બપોરે ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application