ગાંધીનગર શહેર નજીક આવેલા ડભોડાના ચાવડાનગર વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસની અંદર વિદેશી દારૃનો જથ્થો સંતાડીને તેનું કટીંગ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો હતો અને વિદેશી દારૂ અને બિયરનાં જથ્થા સાથે બે’ને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે’ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સ્થળેથી રૂપિયા 2.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ગાંધીનગર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, ડભોડાના ચાવડાનગર વિસ્તારમાં આવેલ ભૈરારામ સીયોર રહે. રાજસ્થાનના ફાર્મ હાઉસ પર કેટલાક રાજસ્થાની ઈસમોએ વિદેશી દારૂનો જથ્થો મંગાવી ફાર્મ હાઉસની ઓરડીમાં સંતાડી રાખી દારૂનું કટીંગ કરી હેરાફેરીનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના પગલે ફાર્મ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં રાજસ્થાનના જોધપુરના બાબુલાલ ભંવરલાલ સાંઇ તેમજ મનીષ પદમારામ જાણી હાજર મળી આવ્યા હતા. તેમને સાથે રાખી પોલીસ ટીમે ફાર્મ હાઉસની બે ઓરડીની તપાસ કરતા તેમાંથી લેતાં દારૂ-બિયરની પેટીઓ મળી આવી હતી.
જેથી દારૂ બિયર અને મોબાઇલ મળી 2.38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ પોલીસે આ દારૂ અને બિયર ક્યાંથી લવાયો હતો તે સંદર્ભે પૂછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે આ ફાર્મ હાઉસ ભૈરારામજી સીહોરની માલિકીનું છે. થોડા દિવસ અગાઉ તેમના ગામના સરપંચ સુખરામ સાઈ તથા તેનો મિત્ર જુમરામ ચૌધરી (રહે.ઓસીયા જિ.જોધપુર રાજસ્થાન) ફાર્મ હાઉસ ઉપર આવ્યા હતા અને કહ્યું હતું કે, અહીં દારૂ ભરેલી ગાડી આવશે અને તે દારૂ ઉતારી ગયા બાદ અન્ય વ્યક્તિઓ તે દારૂ અહીંથી લઈ જશે. જે પૈકી ટ્રકમાં દારૂનો જથ્થો ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક કારમાં આ દારૂનો જથ્થો લઈ જવામાં આવ્યો હતો. બાકીનો જથ્થો અહીં રાખવામાં આવ્યો હતો. જેથી પોલીસ અન્ય બે શખ્સો સામે પણ ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500